'તિરુપતિ લાડુના ઘીમાં ટોઇલેટ ક્લિનર!': ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ, જગન રેડ્ડીનો વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tirupati Ladu Controversy: તિરુપતિના લાડુમાં ભેળસેળ કરાતી હોવાનો વિવાદ ફરી ગરમાયો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંદિરના લાડુ-પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળ અંગે ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે, 'ઘીમાં માત્ર નીચી ગુણવત્તા ધરાવતા પદાર્થો જ નહીં, પરંતુ બાથરૂમ સાફ કરવા માટે વપરાતા ટોઇલેટ ક્લિનરનો પણ ઉપયોગ થયો હોઈ શકે છે.'
ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું?
ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે કુર્નૂલમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, 'તિરુપતિ મંદિરના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં માત્ર નીચી ગુણવત્તા ધરાવતા પદાર્થો જ નહીં, પરંતુ બાથરૂમ સાફ કરવા માટે વપરાતા ટોઇલેટ ક્લિનરનો પણ ઉપયોગ થયો હોઈ શકે છે. શ્રીશૈલમ મંદિરમાં પણ આવી ભેળસેળ થઈ હોય તેવું લાગે છે.' આ મુદ્દે નાયડુએ વિરોધ પક્ષ વાય.એસ.આર. કોંગ્રેસના સર્વેસર્વા જગન મોહન રેડ્ડીની ટીકા કરી હતી, કારણ કે અગાઉ પણ જ્યારે લાડુમાં ભેળસેળ થયાના આરોપ લાગ્યા હતા ત્યારે 2019થી 2024 વચ્ચે રાજ્યમાં સરકાર જગન રેડ્ડીની હતી.
રાજકીય લાભ માટે ભગવાનનો ઉપયોગ કર્યાનો પ્રતિઆક્ષેપ
આ મુદ્દે રાજકીય વિવાદ વધુ તેજ બન્યો છે. જગન રેડ્ડીએ આ આરોપોને રાજકીય લાભ માટે ઊભા કરવામાં આવેલા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 'CBIની ચાર્જશીટમાં પ્રાણીજ ચરબી મળ્યાનો કોઈ ઉલ્લેખ નથી અને તેમની પાર્ટી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું નામ પણ સામેલ નથી. ચંદ્રબાબુ નાયડુ ભગવાનને રાજકારણમાં ઘસડી રહ્યા છે. તેઓ, તેમના પુત્ર લોકેશ અને પવન કલ્યાણ સાથે, સ્વાર્થી અને રાજકીય લાભ માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યા છે.'
અગાઉ પણ આરોપ લાગ્યા હતા
આ પહેલા પણ લાડુના ઘીમાં બીફ ટેલો અથવા લાર્ડ જેવી પ્રાણીજ ચરબી ભેળવવામાં આવી હોવાના આરોપો થયા હતા. જો કે, તપાસમાં પ્રાણીજ ચરબીના કોઈ પુરાવા મળ્યા નથી. તપાસમાં એવો ઉલ્લેખ થયો કે કેટલાક કિસ્સાઓમાં વનસ્પતિ તેલ અને કેટલાક રસાયણિક પદાર્થો સાથે ભેળસેળ થયાની સંભાવના દર્શાવવામાં આવી છે.
રસાયણિક પદાર્થોની સપ્લાય અંગેની માહિતી
અગાઉની તપાસમાં જાણવા મળ્યું હતું કે કેટલાક વેપારીઓએ લેક્ટિક એસિડ અને LABSA (એસિડ સ્લરી) જેવા ઔદ્યોગિક રસાયણો ડેરી ઉત્પાદક કંપનીઓને સપ્લાય કર્યાં હતા. LABSA ખાદ્યપદાર્થોમાં વાપરવા માટે બનાવાયેલું નથી; તે માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટેનું નોન-ફૂડ ગ્રેડ રસાયણ છે. તેથી, જો આવા રસાયણો ખાદ્ય વસ્તુઓમાં ભળે તો તે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, એવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. જે ડેરી ઉત્પાદક કંપનીઓને લેક્ટિક એસિડ અને LABSA સપ્લાય કરવામાં આવ્યા હતા એ જ કંપનીઓ દ્વારા બનાવાયેલા ઘીમાંથી મંદિરના લાડુ બનાવાયા હતા કે કેમ, એની તપાસ ચાલુ છે.
કાનૂની કાર્યવાહી અંગે ચર્ચા
વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટ અને માનવ અધિકાર આયોગ સહિતના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે. તેમની દલીલ છે કે સત્તાવાર તપાસના તારણોને ધ્યાનમાં લઈને જ નિર્ણય લેવો જોઈએ અને રાજકીય નિવેદનોના આધારે જનતામાં ભ્રમ ફેલાવવો યોગ્ય નથી.
વિવાદનો વ્યાપક પ્રભાવ
તિરુપતિ લાડુ વિવાદ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલ હોવાથી આ મુદ્દે જનતા અને ભક્તોમાં આક્રોશ અને ચિંતા ફેલાઈ રહી છે. તપાસના અંતિમ પરિણામો અને કોર્ટના નિર્ણય પછી જ સમગ્ર સત્ય સ્પષ્ટ થશે, પરંતુ હાલ ફરી એકવાર આ મુદ્દો રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.









