mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણના એંધાણ, તમામ સરહદો સીલ, ઇન્ટરનેટ-SMS સેવા બંધ

Updated: Feb 13th, 2024

દિલ્હીમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણના એંધાણ, તમામ સરહદો સીલ, ઇન્ટરનેટ-SMS સેવા બંધ 1 - image


- પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો આજે રાજધાનીને ઘેરશે

- ચંડીગઢમાં બે મહિના માટે 144 લાગુ, હરિયાણામાં 12 લેયરની સુરક્ષા, બે કામચલાઉ જેલ, રાજસ્થાનની પંજાબ-હરિયાણા સરહદ સીલ

- ટેકાના ભાવ માટે કાયદો, વૃદ્ધ ખેડૂતો-ખેત મજૂરોને પેંશન, દેવા માફી સહિતની માગ સાથે ખેડૂતો આગળ વધ્યા

- કર્ણાટકથી દિલ્હી આવી રહેલા 100થી વધુ ખેડૂતોને મધ્ય પ્રદેશમાં અટકાવાયા, તમામને છોડી મુકવા સિદ્ધારમૈયાની માગ

નવી દિલ્હી : ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની ૧૦થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. મંગળવારે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે. જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ ખેડૂતોના માર્ગમાં વચ્ચે સિમેન્ટ કોંક્રિટના બ્લોક તેમજ ખીલા ધરબી દેવાયા હતા ત્યારે હવે દિલ્હીમાં એક મહિના માટે ૧૪૪ લાગુ કરીને કેટલાક પ્રતિબંધ લગાવાયા છે. જ્યારે પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં બે મહિના માટે આ પ્રતિબંધ મુકી દેવાયા છે. જેને પગલે એવી શક્યતાઓ છે કે આ વખતે પણ ખેડૂતો આ આંદોલન લાંબા સમય સુધી ચાલુ રાખી શકે છે. 

દરમિયાન અન્ય રાજ્યોના ખેડૂતો પણ ટ્રેન વગેરેની મદદથી દિલ્હી પહોંચી રહ્યા છે. કર્ણાટકના ખેડૂતો દિલ્હી જઇ રહ્યા હતા, જોકે તેમને મધ્ય પ્રદેશમાં ભોપાલમાં સ્ટેશન પર રોકી લેવામાં આવ્યા હતા અને તેમની અટકાયત કરાઇ હોવાનો આરોપ લાગી રહ્યો છે. કર્ણાટકના ખેડૂતોએ રેલવે સ્ટેશન પરથી વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે મધ્ય પ્રદેશમાં તેમની સાથે પોલીસ દ્વારા મારપીટ કરાઇ છે જેમાં મહિલા ખેડૂત ઘાયલ થઇ ગઇ છે. આ મુદ્દે કર્ણાટક સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર બન્ને આમને સામને આવી ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ ખેડૂતોને છોડી મુકવા અને તેમને દિલ્હી અન્ય ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા દેવાની માગણી કરી છે. સંયુક્ત કિસાન મોરચાએ પણ ખેડૂતોને છોડી મુકવા અપીલ કરી છે. 

બે વર્ષ પહેલા ખેડૂતોએ દિલ્હીમાં એક વર્ષ લાંબુ આંદોલન ચલાવ્યું હતું, જે દરમિયાન ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની પણ માગ હતી. જે હજુસુધી પુરી ના થતા ફરી આંદોલન શરૂ થયું છે. આ વખતે ખેડૂતોની મુખ્ય માગણી ટેકાના ભાવ માટે કાયદો, વૃદ્ધ ખેડૂતો અને ખેત મજૂરો માટે પેંશન, દેવા માફ કરવા, સ્વામિનાથન કમિશનની ભલામણો લાગુ કરવી, વિજળી બિલ (૨૦૨૦) રદ કરવું, મનરેગા હેઠળ વર્ષે ૨૦૦ દિવસનું કામ આપવું અને દૈનિક વેજ ૭૦૦ રૂપિયા કરવા વગેરે સહિત ૧૧ જેટલી માગણીઓ મુકી છે. જેને લઇને ચંડીગઢમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અર્જુન મુંડાએ ૮ ફેબુ્રઆરીએ ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી હતી. 

જોકે તેમાં કોઇ પરિણામ ન નિકળતા આંદોલનકારી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. આશરે પાંચ હજાર જેટલા ટ્રેક્ટર સાથે ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.  દરમિયાન હરિયાણામાં કેટલાક વિસ્તારોમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, જોકે પોલીસે રોકવા માટે લગાવેલા બેરિકેડ્સને ખેડૂતોએ ટ્રેક્ટર વડે હટાવી દીધા હતા અને આગળ વધી ગયા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ખેડૂતોએ સિમેન્ટના બેરિકેડ્સ, રોડ પર ધરબેલા ખીલાને પહોંચી વળવા પોતાના ટ્રેક્ટરને મોડિફાઇ કર્યા હોવાના પણ અહેવાલો છે.  

રાજસ્થાન પોલીસે પંજાબ અને હરિયાણાની બોર્ડરને સીલ કરી દીધી છે. જ્યારે ગંગાનગર અને હનુમાનગઢમાં ૧૪૪ લાગુ કરી દીધી છે. દરમિયાન હરિયાણાની સરહદે ખેડૂતોને રોકવા માટે ૧૨ લેયરની સુરક્ષા ખડકી દેવાઇ છે. સિરસામાં બે કામચલાઉ જેલ પણ તૈયાર કરાઇ હોવાના અહેવાલો છે. જ્યાં અટકાયત કર્યા બાદ ખેડૂતોને રાખવામાં આવી શકે છે. હાલ દિલ્હીની સિંઘુ, ટિકરી બોર્ડરને પણ સીલ કરી દેવામાં આવી છે. જ્યારે પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર પણ સીલ છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડકી દેવાયા છે. તેથી મંગળવારે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઇ શકે છે. હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં, ચંડીગઢ અને દિલ્હીમાં ૧૪૪ લાગુ કરી દેવાઇ હોવાથી ૪થી વધુ લોકોને એકઠા નહીં થવા દેવાય તેમજ રેલીઓ, ધરણા પણ નહીં કરી શકાય. તેથી મોટી સંખ્યામાં ખેડૂતોની અટકાયતની પણ શક્યતાઓ છે. હરિયાણામાં જ અર્ધ સૈન્ય દળની ૧૧૪ કંપનીઓ અને રાજ્યની પોલીસને તૈનાત કરી દેવાઇ છે.

સંયુક્ત કિસાન મોરચામાં બે ફાટા, 16મીએ ભારત બંધનું એલાન

સંયુક્ત કિસાન મોરચા દેશના ૫૦૦ જેટલા ખેડૂત સંગઠનોનું એક સંયુક્ત સંગઠન છે. જોકે દિલ્હીમાં વર્ષ ૨૦૨૦માં કૃષિ કાયદા સામે જે આંદોલન થયું હતું તે સંયુક્ત કિસાન મોરચાનો હિસ્સો વર્તમાન આંદોલનમાં સામેલ નથી થયો. સંયુક્ત કિસાન મોરચાના આ બીજા ધડાએ ૧૬મી માર્ચે આ તમામ માગણીઓને લઇને ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતોની આગેવાની સંયુક્ત કિસાન મોરચાના અન્ય નેતા જગજીતસિંઘ દાલેવાલ (ભારતીય કિસાન યુનિયન સિધ્ધુપુર સંગઠનના પ્રમુખ) અને તાજેતરમાં લોન્ચ કરાયેલા કિસાન મઝદૂર મોર્ચાના સરવણસિંહ પંઢેર લઇ રહ્યા છે. જેઓ કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના કન્વેનર છે, તેઓ અગાઉ ૨૦૨૦માં થયેલા આંદોલનમાં સામેલ નહોતા થયા અને અલગથી આંદોલન કર્યું હતું. જ્યારે ૧૬મી તારીખે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને મોરચાના અગાઉના નેતાઓ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. આમ સંયુક્ત કિસાન મોરચામાં બે ફાટા જોવા મળી રહ્યા છે. જોકે આ બન્ને સંગઠનો સાથે સંકળાયેલા ખેડૂતો બન્ને આંદોલનમાં સામેલ થઇ રહ્યા છે. અગાઉના આંદોલનકારી નેતાઓએ વર્તમાન આંદોલન મુદ્દે કોઇ વિરોધ નથી કર્યો અને ૧૬મીએ ભારત બંધનું એલાન કર્યું છે.

Gujarat