'ઇન્ડિયા આઉટ'નો નારો લગાવનારા માલદિવ્સમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 20 જ મહિનામાં કેવી રીતે બદલાયા પાસા
PM Modi Maldives Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની મુલાકાત પર છે. શુક્રવારે માલદીવની રાજધાની માલેમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતું. તેમના સ્વાગત માટે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ ઉપરાંત વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં મંત્રી અને ગૃહ મંત્રી ઍરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.
એક વર્ષ પહેલાં જે મુઈજ્જુ સરકારના મંત્રીઓ વડાપ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા હતા. 19-20 મહિના પહેલા 'ઇન્ડિયા આઉટ'નો સૂત્રોચ્ચાર કરી રહેલા માલદીવ્સની મુઈજ્જુ સરકારનું આ આદર-સત્કાર જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે. સૌને સવાલ થઈ રહ્યો છે કે, મુઈજ્જુ સરકારની ભારત પ્રત્યેની વિદેશ નીતિ કેવી રીતે 360 ડિગ્રી બદલાઈ ગઈ. ચીનના દબાણમાં મુઈજ્જુ સરકારે ભારત વિરુદ્ધ મોરચો છેડ્યો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં તેને પોતાની ભૂલનો અનુભવ થઈ ગયો હોવાનું લાગી રહ્યું છે.
ભારતે કરી હતી મદદ
સાડા પાંચ લાખ લોકોની વસ્તી ધરાવતા માલદીવ્સની અર્થવ્યવસ્થા પ્રવાસન પર નિર્ભર છે. કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થા કથળી હતી. 2024માં માલદીવ્સની ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાતા ભારતે મદદ કરી હતી. ભારતે તેને 75 કરોડ ડૉલરની કરન્સી સ્વેપની સુવિધા આપી હતી. તેમજ 10 કરોડ ડૉલર ટ્રેઝરી બિલ ચૂકવવા પણ સહાયતા કરી હતી. 2024માં માલદીવ્સના અડ્ડુ શહેરમાં ભારતે એક લિંક બ્રિજ પ્રોજેક્ટ પણ શરુ કર્યો હતો. જ્યાં 2.9 કરોડ ડૉલરના ખર્ચે ઍરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે.
માલદીવ્સને પોતાની ભૂલ સમજાઈ
ભારત માલદીવ્સના અર્થતંત્રને ઉગારવા નાણાકીય અને આર્થિક સહાય કરી રહ્યું હતું. પરંતુ મોઈજ્જુની સરકાર બનતાં તેણે ચીનની તરફેણમાં નિર્ણયો લેવાનું શરુ કર્યું. ભારત વિરોધી કાર્યવાહી હાથ ધરી ઇન્ડિયા આઉટનો નારો આપ્યો. જેથી ભારતના માલદીવ્સ સાથે સંબંધો બગડ્યા હતા. તે સમયે 2024માં વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસે માલદીવ્સને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો. PM મોદીની લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાયરલ થતાં ભારતમાં સોશિયલ મીડિયા પર 'બોયકોટ માલદીવ્સ' ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જેથી માલદીવ્સમાં પ્રવાસીઓની સંખ્યા 50,000 સુધી ઘટી હતી. તેને 15 કરોડ ડૉલરનું નુકસાન થયુ હતું. જેથી મુઈજ્જુ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભારતના લોકોને માલદીવ્સ આવવાની અપીલ કરી.
ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિની અસર
2024માં ચીનની મુલાકાત લીધા પછી, રાષ્ટ્રપતિ મુઈજ્જુએ આદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતીય લશ્કરી કર્મચારી, ભલે તે સિવિલ ડ્રેસમાં હોય, તેમના દેશમાં ન રહે. તેમને દેશમાંથી બહાર જવા એક સમયમર્યાદા પણ નક્કી કરી હતી. માલદીવ્સના સાર્વભૌમત્વનો આદર કરતાં ભારતે તેના તમામ લશ્કરી કર્મચારીઓને પાછા ખેંચી લીધા હતા. ભારતના આ નિર્ણયની બંને દેશો વચ્ચેના સંબંધો પર સકારાત્મક અસર પડી. બીજી તરફ, 'નેબરહુડ ફર્સ્ટ' નીતિ હેઠળ, તે જ વર્ષે ઑગસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાત લીધી હતી. બંને નેતાઓની મુલાકાત બાદ સંબંધો સુધર્યા હતા.
ઉલ્લેખનીય છે, માલદીવ્સ પર ચીનનું 1.37 અબજ ડૉલરનું દેવું છે. જો કોઈ દેશ લોન ચૂકવવામાં નિષ્ફળ રહે તો ચીન તેના અત્યંત ખરાબ હાલ કરે છે. તે રાજકીય અને આર્થિક દબાણ લાદવા ઉપરાંત પ્રદેશ પર કબજો સહિતની કાર્યવાહી હાથ ધરે છે.