‘ભારત અને ચીન હરીફ નહીં, એકબીજાના પાર્ટનર', જિનપિંગ અને PM મોદીની બેઠકથી ટ્રમ્પને સંદેશો
PM Modi China Visit : ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે યોજાયેલી મુલાકાત પર વિશ્વભરની નજર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોદી અને જિનપિંગ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે, બંને દેશો એકબીજાના સ્પર્ધી નહીં, પરંતુ વિકાસના ભાગીદાર છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, મતભેદોને વિવાદ ન બનાવવો જોઈએ.
મોદી-જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ
SCO સમિટ દરમિયાન મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું હતું. તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ કરી પણ કરી હતી. જિનપિંગ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને, પીએમ મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે, ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી હતી અને ઘણા વર્ષોથી ચીન આતંકવાદના સૌથી મોટા કેન્દ્ર પાકિસ્તાનને આર્થિક અને લશ્કરી મદદ કરી રહ્યું છે.
મતભેદો વિવાદોમાં તબદીલ ન કરોઃ પીએમ મોદી
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'પીએમ મોદી અને જિનપિંગે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપરાંત આતંકવાદ જેવા પડકારોનો સામનો કરવા જોડાણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન વિકાસના ભાગીદાર છે, હરીફ નથી અને મતભેદોને વિવાદોમાં ફેરવવા જોઈએ નહીં. પીએમ મોદીએ જિંગપિંગને 2026માં ભારત દ્વારા યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ આપ્યું હતું.
જિનપિંગ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુમેળના મહત્વ પર ચર્ચા કરી હતી. બંને વડાએ સરહદ મદ્દે વાજબી, નિષ્પક્ષ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે સૈનિકોની સફળ વાપસી અને ત્યાર બાદથી સરહદ પર શાંતિ જાળવી રાખવા બદલ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.'
મિત્ર બની રહેવું યોગ્યઃ જિનપિંગ
ચીનના પ્રમુખ શી જિનપિંગે વડાપ્રધાન મોદીને કહ્યું કે, 'મિત્રો બનવું એ બંને દેશો માટે યોગ્ય વિકલ્પ છે. તેમણે ભાર મૂક્યો કે એલિફન્ટ અને ડ્રેગન એકબીજાની સફળતા માટે સાથે મળીને કામ કરે. આપણે બંને આપણા લોકોની સુખાકારીમાં વધારો કરવા, વિકાસશીલ દેશોની એકતા અને કાયાકલ્પને પ્રોત્સાહન આપતા માનવ સમાજની પ્રગતિને વેગ આપવાની ઐતિહાસિક જવાબદારી નિભાવીએ છીએ. બંને સારા પડોશી અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવતા મિત્રો બની રહે તે જરૂરી છે, એકબીજાની સફળતામાં મદદરૂપ થાય તેવા ભાગીદાર બને. ડ્રેગન અને એલિફન્ટ સાથે મળીને કામ કરે. વધુમાં બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ પર ભાર મૂકવો જોઈએ.'
આ પણ વાંચો : PM મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા કરી અપીલ
એકબીજા માટે વિકાસની તકો
ચીનની સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, જિનપિંગે પીએમ મોદીને કહ્યું કે 'ચીન અને ભારત હરીફ નથી પરંતુ સહકાર આપતા ભાગીદાર છે અને બંને દેશો એકબીજા માટે જોખમ નથી પરંતુ વિકાસની તકો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એકપક્ષીય નીતિઓ ટીકાજનક છે. બંને દેશોને બહુપક્ષીયતા જાળવવા આહ્વાન છે. ભારત અને ચીને બહુપક્ષીયતા અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં લોકશાહીને પ્રોત્સાહન આપવા માટે કામ કરવું જોઈએ. આપણે બહુપક્ષીયતા લાગુ અને જાળવી રાખવા ઉપરાંત એશિયા અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાની આપણી ઐતિહાસિક જવાબદારીને વેગ આપવો પડશે.'
દુનિયા મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે
લગભગ દસ મહિનામાં મોદી-જિનપિંગની આ બીજી મુલાકાત છે. અમેરિકાની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકાના સંબંધોમાં પડેલી તિરાડને ધ્યાનમાં લેતાં ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ફોકસ વધ્યું છે. જિનપિંગે પીએમ મોદીને વધુમાં કહ્યું કે, 'વિશ્વ હાલ સદીમાં એક વાર આવતા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અસ્થિર બની છે. ચીન અને ભારત પૂર્વમાં સ્થિત બે પ્રાચીન સભ્યતા છે, આપણે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ, અને આપણે ગ્લોબલ સાઉથના સૌથી જૂના સભ્યો પણ છીએ.'