મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Security Convoy Reduced: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ગંભીર તણાવ અને વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં થઈ રહેલા ફેરફારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદાહરણ રજૂ કર્યું છે. વડાપ્રધાને માત્ર દેશવાસીઓને જ પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ નથી કરી, પરંતુ પોતે પણ તેનો ચુસ્ત અમલ કરીને સાબિત કર્યું છે કે પરિવર્તનની શરૂઆત સ્વયંથી જ થવી જોઈએ.
PM મોદીનો બે કારનો કાફલો
સામાન્ય રીતે વડાપ્રધાનની સુરક્ષા માટે બનાવવામાં આવેલી બ્લુ બુકના પ્રોટોકોલ મુજબ, તેમના કાફલામાં 14 થી 17 હાઈ-ટેક ગાડીઓ હોય છે. જ્યારે તેઓ કોઈ રાજ્યના પ્રવાસે હોય ત્યારે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોના વાહનો ઉમેરાતા આ સંખ્યા 30 થી 40 સુધી પહોંચી જતી હોય છે. જોકે, બુધવારે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી તેમના આવાસથી ઓફિસ સુધી માત્ર બે કાર સાથે પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો.
કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ દ્વારા અમલ
વડાપ્રધાનની આ પહેલની અસર તુરંત જ જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ પોતાના સુરક્ષા કાફલામાં કારની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. Z+ સુરક્ષા ધરાવતા સંરક્ષણ મંત્રીના કાફલામાં સામાન્ય રીતે 11 કાર હોય છે, જે તેમણે ઘટાડીને 4 કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી નડ્ડાએ પણ વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખી પોતાના કાફલાની કાર 11થી ઘટાડીને 4 કરી દીધી છે.
મુખ્યમંત્રીઓનો સહયોગ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સરકારી કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડવા સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાત સહિતનાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાનો કાફલો ઘટાડવાની સાથે વહીવટી પ્રક્રિયામાં રહેલી તમામ સરકારી ગાડીઓને મહત્તમ ઘટાડો કરવા માટેની સુચના આપી છે.
જન-આંદોલન તરફ પ્રયાણ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ આ પહેલને બિરદાવતા જણાવ્યું કે, જ્યારે નેતૃત્વ પોતે ઉદાહરણ રજૂ કરે છે, ત્યારે તે એક જન-આંદોલન બની જાય છે. પશ્ચિમ એશિયાના સંકટને કારણે ઊર્જા સ્ત્રોતો પર જે દબાણ આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અત્યંત આવશ્યક છે. વડાપ્રધાનની આ પહેલથી વાર્ષિક કરોડો રૂપિયાના ઈંધણની બચત થવાની સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મોટું યોગદાન મળશે.








