Eknath Shinde News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના ચૂંટણી પરિણામો બાદ મુંબઈના રાજકારણમાં સત્તા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સત્તા સંગ્રામની વચ્ચે, 'કિંગમેકર'ની ભૂમિકામાં આવેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો અને કડક નિર્ણય લીધો છે. શિંદે જૂથની શિવસેનાએ 'હોર્સ ટ્રેડિંગ'ની આશંકાને પગલે પોતાના તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને મુંબઈની 5-સ્ટાર તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
29 બેઠકો સાથે શિંદે જૂથ બન્યું 'કિંગમેકર'
BMC ચૂંટણીમાં શિંદે જૂથની શિવસેનાએ 29 બેઠકો જીતી છે. વર્તમાન રાજકીય સમીકરણો મુજબ, ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કરી શકી નથી. આવી સ્થિતિમાં, શિંદે જૂથની ભૂમિકા નિર્ણાયક બની ગઈ છે અને તેમને જ 'સત્તાની ચાવી' માનવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શિંદે સેનાના સમર્થન વિના ભાજપ માટે BMCમાં સરકાર બનાવવી અશક્ય છે.
'નો રિસ્ક'ના મૂડમાં એકનાથ શિંદે
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે સેનાના તમામ કાઉન્સિલરોને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં હોટલ પહોંચી જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ તમામ કાઉન્સિલરોને આગામી ત્રણ દિવસ સુધી હોટલમાં જ રાખવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારના હોર્સ ટ્રેડિંગ કે જૂથમાં તૂટફૂટના પ્રયાસને નિષ્ફળ બનાવી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદે પોતે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જ્યાં સુધી સત્તા માટે ઔપચારિક દાવો ન થાય ત્યાં સુધી કાઉન્સિલરોને એકજૂટ રાખવા માગે છે.
કોંગ્રેસ સાંસદ નસીર હુસૈનનો કટાક્ષ
આ સમગ્ર ઘટનાક્રમ પર કોંગ્રેસના સાંસદ નસીર હુસૈને એકનાથ શિંદે પર તીખો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, "તેમને કોનાથી ડર છે? કોણ તેમના કાઉન્સિલરોને તોડી શકે છે? અને કોને કાઉન્સિલરો તોડવાનો સૌથી વધુ અનુભવ છે, તે સૌ જાણે છે." નસીર હુસૈને ઉમેર્યું કે ભાજપ હંમેશા પોતાના સહયોગી પક્ષો અને તૂટેલા જૂથોના ભોગે જ આગળ વધ્યું છે. તેમણે શિંદેને સલાહ આપતાં કહ્યું કે, "એકનાથ શિંદે જેટલું જલદી આ સમજી લે, તેટલું તેમના માટે સારું રહેશે."
BMCમાં સસ્પેન્સ યથાવત્
હાલમાં, BMCમાં મેયર પદ અને સત્તાની રચનાને લઈને સસ્પેન્સ યથાવત્ છે. એક તરફ ભાજપ બહુમતી માટે ગણિત માંડી રહ્યું છે, તો બીજી તરફ શિંદે જૂથ પોતાના પત્તા ખોલતા પહેલા સંપૂર્ણપણે સુરક્ષિત રણનીતિ હેઠળ આગળ વધી રહ્યું છે. આવનારા થોડા દિવસો નક્કી કરશે કે દેશની સૌથી ધનિક મહાનગરપાલિકાની સત્તા કોના હાથમાં જશે.


