વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
PM Modi likely To Chair CCS Meeting Tomorrow: 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટી (CCS)ની બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ બેઠકમાં ઓપરેશન સિંદૂર બાદની રણનીતિ, પહલગામ આતંકી હુમલાની તપાસ અને પાકિસ્તાનની કાર્યવાહી પર દેખરેખ રાખવા જેવી બાબતો પર ચર્ચા કરી શકે છે.
આ બેઠકમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા ટોચના અધિકારીઓના રિપોર્ટ તથા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે મોટો નિર્ણય લેવાઈ શકે છે. CCS એ દેશની ટોચની સુરક્ષા નીતિ નિર્ધારણ સંસ્થા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ
આદમપુર એરબેઝ પહોંચી જવાનોનું અભિવાદન કર્યું
આજે સવારે વડાપ્રધાન મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. આ એ જ એરબેઝ છે, જેને પાકિસ્તાને મિસાઈલ હુમલામાં નષ્ટ કર્યું હોવાનો દાવો કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાતથી પાકિસ્તાનનો આ દાવો પણ ખોટો ઠર્યો હતો. પીએમ મોદીએ એરબેઝ પહોંચી સેનાના જવાનોનું અભિવાદન કર્યું હતું. તેમજ તેમના જુસ્સામાં વધારો કરતું સંબોધન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત માત્ર આતંકવાદીઓ જ નહીં, તેને સમર્થન આપનારા પાકિસ્તાનની સેનાને પણ આકરો જવાબ આપવાની તાકાત ધરાવે છે. અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની તક પણ આપીશું નહીં.