Get The App

PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરુ કરી

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરુ કરી 1 - image


PM Modi Diwali Gift For Farmers: દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપતાં દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાંથી કૃષિ ક્ષેત્રે રૂ. 42,000 કરોડની યોજનાઓ શરુ કરી છે. તેમણે રૂ. 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને રૂ. 11,440 કરોડની કઠોળ ઉત્પાદકતા મિશનનો પ્રારંભ કર્યો છે. કૃષિ, પશુપાલન, મત્સ્ય અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 5450 કરોડ તેમજ અન્ય યોજનાઓ પાછળ રૂ. 815 કરોડ ફાળવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ

વડાપ્રધાન મોદીએ આજે વડાપ્રધાન ધન ધન્ય કૃષિ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના 36 સરકારી યોજનાઓને એકીકૃત કરે છે. ત્રણ પરિમાણોના આધારે આ યોજના માટે 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ સમાવિષ્ટ છે. આ યોજના ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોને લાભ આપશે.

ખેડૂતોનું ભાગ્ય બદલશે

દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાંથી ખેડૂતો માટે એક સાથે બે યોજનાઓ શરુ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ બે યોજનાઓ ભારતના ખેડૂતોનું ભાગ્ય બદલવા માટે કામ કરશે. સરકાર આ યોજનાઓ પર 35 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. ખેડૂતોના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં પીએમ મોદીએ કહ્યું, 'કૃષિ અને ખેડૂતો હંમેશા આપણી વિકાસ યાત્રાનો એક ભાગ રહ્યા છે. બદલાતા સમય સાથે કૃષિ અને ખેડૂતોને સરકારી સહાય મળતી રહે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ કમનસીબે, અગાઉની સરકારે કૃષિ અને ખેડૂતોને તેમના હાલ પર છોડી દીધા હતાં. પરિણામે, ભારતની કૃષિ વ્યવસ્થા સતત નબળી પડી હતી. 21મી સદીના ભારત માટે ઝડપી વિકાસ પ્રાપ્ત કરવા માટે તેની કૃષિ વ્યવસ્થામાં સુધારો કરવો જરૂરી હતો, અને આ 2014 પછી તેનો વિકાસ શરુ થયો.'

આ પણ વાંચોઃ બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર નહીં!

દૂધ ઉત્પાદનમાં નંબર વન ભારત

પીએમ મોદીએ વધુમાં કહ્યું, 'બીજથી લઈને બજાર સુધી અસંખ્ય સુધારા કરવામાં આવ્યા છે. પરિણામે, ભારત આજે દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે. ભારતમાં મધનું ઉત્પાદન 2014ની સરખામણીમાં બમણું થયું છે. દેશમાં છ ખાતર ફેક્ટરીઓ બનાવવામાં આવી છે. 25 કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. 10 કરોડ હેક્ટર સુધી સૂક્ષ્મ સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ખેડૂતો માટે પીએમ પાક વીમા યોજના હેઠળ આશરે 2 લાખ કરોડ રૂપિયાના દાવા મંજૂર કર્યા છે. છેલ્લા 11 વર્ષમાં 10,000થી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) બનાવવામાં આવ્યા છે.'

કઠોળમાં આત્મનિર્ભરતા મિશન

પીએમ મોદીએ કઠોળ સ્વ-નિર્ભરતા મિશન પણ શરુ કર્યું છે. આ અંગે જણાવ્યું હતું કે, કઠોળ આત્મ નિર્ભરતા મિશન ફક્ત કઠોળ ઉત્પાદન વધારવાનું મિશન નથી, પરંતુ આપણી ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાનું અભિયાન છે. છેલ્લા 11 વર્ષથી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા કૃષિમાં રોકાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોને સુધારેલા બિયારણો, સંગ્રહ સુવિધાઓ અને તેમના ઉત્પાદનની ખાતરીપૂર્વક ખરીદીનો સીધો લાભ મળશે. આ યોજનાના લોન્ચિંગ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં ભારતની કૃષિ નિકાસ લગભગ બમણી થઈ ગઈ છે. અનાજના ઉત્પાદનમાં આશરે 9 કરોડ મેટ્રિક ટનનો વધારો થયો છે. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં 6.4 કરોડ મેટ્રિક ટનથી વધુનો વધારો થયો છે.

PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરુ કરી 2 - image

Tags :