બિહારમાં બેઠકો મુદ્દે NDAમાં ખેંચતાણ વધતાં ભાજપનું ટેન્શન વધ્યું, ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર નહીં!

Bihar Elections 2025: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)માં બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધન પક્ષો વચ્ચે ગરમાગરમી જોવા મળી રહી છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના દિલ્હી નિવાસસ્થાને યોજાયેલી બેઠક છતાં, સહયોગી પક્ષોમાં હજુ સુધી સર્વસંમતિ સધાઈ નથી. બેઠકમાં જનતા દળ યુનાઇટેડ (JDU), હિન્દુસ્તાની અવામ મોરચા (HAM), રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) અને લોક જનશક્તિ પાર્ટી(LJPR)ના નેતાઓએ ભાગ લીધો હતો.
JDUનો સ્પષ્ટ ઇન્કાર: 'ભાજપ ચિરાગ સાથે વાટાઘાટ કરે'
સૂત્રોના જણાવ્યાનુસાર, સીટ વહેંચણીનો મુખ્ય પેચ JDU અને ચિરાગ પાસવાનની પાર્ટી (LJPR) વચ્ચે ફસાયો છે. JDU અને જીતનરામ માંઝીની પાર્ટી (HAM) ચિરાગ પાસવાન દ્વારા માંગવામાં આવેલી કેટલીક બેઠકો પર સમાધાન કરવા તૈયાર નથી. સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે JDU નેતાઓએ ભાજપ હાઇકમાન્ડને સ્પષ્ટ જણાવી દીધું છે કે, ભાજપે પોતે જ ચિરાગ પાસવાન સાથે વ્યવહાર કરવો જોઈએ. JDU તેમની સાથે કોઈ વ્યવહાર કરશે નહીં.
JDU દ્વારા જે બેઠકો ચિરાગને આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે તેમાં આ બેઠકો મુખ્ય છે
મહનાર: આ JDUના પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહાની બેઠક છે, જે છોડવા JDU તૈયાર નથી.
મટિહાની: આ બેઠક 2020માં ચિરાગની પાર્ટીએ જીતી હતી, પરંતુ તેના ધારાસભ્ય હવે JDUમાં જોડાઈ ગયા છે.
ચકાઈ: આ બેઠક પર અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહનો કબજો છે, જેમને JDUનો ટેકો છે.
આ ઉપરાંત, ભાજપ પણ પોતાની ગોવિંદગંજ બેઠક ચિરાગને આપવા તૈયાર નથી, અને માંઝીની પાર્ટી પણ પોતાની સિકંદરા બેઠક પર દાવો છોડવા માંગતી નથી. ચિરાગ પાસવાન એવી બેઠકો પર દાવો કરી રહ્યા છે જ્યાં તેમના ઉમેદવારો જીતી શકે, જેના કારણે બેઠકનો મુદ્દો NDAમાં અટકી ગયો છે.
આ પણ વાંચો: NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું
RLMના ઉપેન્દ્ર કુશવાહાએ અહેવાલો નકાર્યા
રાષ્ટ્રીય લોક મોરચા(RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ મીડિયા રિપોર્ટ્સને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, 'મીડિયા રિપોર્ટમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે NDAમાં બેઠકોની વહેંચણી પર અંતિમ સમજૂતી થઈ ગઈ છે અને પાર્ટીને કેટલીક બેઠકો ફાળવવામાં આવી રહી છે તે ખોટા છે. વાટાઘાટો હજુ પૂર્ણ થઈ નથી અને ચાલુ છે.'
બીજી તરફ, લોક જનશક્તિ પાર્ટી(LJPR)ના સૂત્રોના જણાવ્યાનુસાર, સંસદીય બોર્ડ દ્વારા પક્ષના વડા ચિરાગ પાસવાનને NDA ગઠબંધન માટે બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હાલમાં 5-6 બેઠકો પર ચર્ચા ચાલી રહી છે, જોકે ગઠબંધન તૂટવાની કોઈ શક્યતા હાલમાં જણાતી નથી.