Get The App

મહારાણી એલિઝાબેથની મહાત્મા ગાંધી સાથેની એક યાદ તાજી કરીને PM મોદી થયા ભાવુક

Updated: Sep 9th, 2022

GS TEAM

Google News
Google News
મહારાણી એલિઝાબેથની મહાત્મા ગાંધી સાથેની એક યાદ તાજી કરીને PM મોદી થયા ભાવુક 1 - image

- 'વર્ષ 2015 અને 2018માં મારી યુકેની યાત્રાઓ દરમિયાન મારી મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે યાદગાર મુલાકાતો થઈ હતી'

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે એક ભાવુક યાદ પણ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, એક મુલાકાત દરમિયાન મહારાણીએ તેમને મહાત્મા ગાંધીએ તેમના લગ્ન પ્રસંગે ભેટમાં જે રૂમાલ આપ્યો હતો તે બતાવ્યો હતો. 

આ પણ વાંચોઃ મહારાણીના મૃત્યુ પછી શું થાય? ઓપરેશન લંડન બ્રીજ શું છે?

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેમણે સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાનો પરિચય કરાવ્યો. તેમના અવસાનથી આહત છું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે. '

અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે, 'વર્ષ 2015 અને 2018માં મારી યુકેની યાત્રાઓ દરમિયાન મારી મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે યાદગાર મુલાકાતો થઈ હતી. હું તેમની હૂંફ અને દયાળુપણાને કદી નહીં ભૂલું. એક બેઠક દરમિયાન તેમણે મને એક રૂમાલ દેખાડ્યો હતો જે મહાત્મા ગાંધીએ તેમના લગ્ન વખતે તેમને ભેટમાં આપ્યો હતો. હું તે યાદને હંમેશા જોડી રાખીશ.'

બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસે ગુરૂવારના રોજ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાનથી બ્રિટન ભાંગી પડ્યું છે તથા દિવંગત સામ્રાજ્ઞી એ ચટ્ટાન હતા જેના પર આધુનિક બ્રિટન નિર્માણ પામ્યું તેવું નિવેદન આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, મહારાણીએ પોતાના અવસાનના માત્ર 48 કલાક પહેલા જ ટ્રસને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. 

આ પણ વાંચોઃ રાણી એલિઝાબેથનું નિધન, એમના વિશે જાણ્યું અજાણ્યું