'INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતી', PM મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી

PM Modi in Goa on Diwali: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી ચાલી આવતી પોતાની પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે પણ દિવાળીનો તહેવાર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો. આ વખતે તેમણે ભારતના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત નૌસેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, જે આત્મનિર્ભર ભારતના પ્રતિક સમાન છે.
વડાપ્રધાન મોદીએ શેર કર્યો અનુભવ
સોમવારે સવારે જવાનોને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "આ વર્ષે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર નૌસેનાના કર્મીઓ વચ્ચે દિવાળી મનાવીને હું મારી જાતને સૌભાગ્યશાળી અનુભવી રહ્યો છું." તેમણે આ ઉજવણીને દેશના સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણને સલામ કરવાનો અવસર ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ ભાજપના કદાવર નેતાએ કહ્યું 2029ની લોકસભા ચૂંટણી લડીશ, બેઠકનું નામ પણ જાહેર કર્યું
PM મોદી થયા ભાવુક
વિમાનવાહક જહાજ પર રાત્રિ રોકાણના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યું, "હું ગઇકાલથી તમારી વચ્ચે છું અને દરેક ક્ષણે મેં કંઈક ને કંઈક શીખ્યું છે. તમારું સમર્પણ એટલું ઊંચું છે કે હું તેને જીવી તો ન શક્યો, પરંતુ મેં તેને ચોક્કસપણે અનુભવ્યું છે." તેમણે એમ પણ કહ્યું કે રાત્રે ઊંડા સમુદ્ર અને સવારના સૂર્યોદયને જોવાથી તેમની દિવાળી વધુ ખાસ બની ગઈ છે.
INS વિક્રાંત પર ઉજવી દિવાળી
પોતાના સંબોધનમાં કાવ્યાત્મક અંદાજ અપનાવતા તેમણે કહ્યું, "આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, અને બીજી તરફ અનંત શક્તિઓનું પ્રતિક આ વિશાળકાય INS વિક્રાંત છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોની ચમક, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા જેવી લાગે છે."
આ પણ વાંચોઃ '10 બેઠક પણ નહીં જીતી શકે...' સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી
વડાપ્રધાને નૌસેનાના કર્મીઓ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ ગીતોમાં જે ભાવના હતી, તેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ પ્રકારની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના દિવસે પોતાના પરિવારોથી દૂર, દેશની સેવામાં તૈનાત જવાનોનું મનોબળ વધારવાનો અને તેમને એ અહેસાસ કરાવવાનો છે કે સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે.

