દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

Diwali 2025 : દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી તેમને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ મુલાકાતની માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમની સાથે મુલાકાત કરીને દિવાળીની શુભકામનાઓ આપી છે.
‘દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ’
આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu)એ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘દિવાળીના પાવન અવસર પર હું ભારત અને દુનિયાભરમાં તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું.’
રાષ્ટ્રપતિએ લખ્યું છે કે, ‘ખુશીઓનો આ તહેવાર આત્મ-ચિંતન અને આત્મ-સુધારનો પણ અવસર છે. આ તહેવાર વંચિતો અને જરૂરિયાતમંદોને મદદ અને સમર્થન કરવાનો તથા તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો પણ અવસર છે. હું તમામને સુરક્ષિત, જવાબદારીપૂર્વક અને પર્યાવરણને અનુકૂળ રીતે દિવાળી મનાવવા વિનંતી કરું છું.’
PM મોદીની ઉપરાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત
દિવાળીના અવસરે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન (Vice President CP Radhakrishnan) સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, ‘ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણને આજે ઉપરાષ્ટ્રપતિ એન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી છે.’
આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી અને એકબીજાને દીપાવલીની શુભકામનાઓ આપી હતી.