India

PM મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું, જનકપુરથી અયોધ્યા વચ્ચે ટ્રેનને લીલીઝંડી બતાવી

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતની મુલાકાત લીધી હતી. નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ઊર્જા, વેપાર અને કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતે નેપાળને 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી હતી. અયોધ્યા-જનકપુર વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરાઈ, જે બંને દેશોના ધાર્મિક સંબંધોને મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીએ નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું, જનકપુરથી અયોધ્યા વચ્ચે ટ્રેનને લીલીઝંડી બતાવી

India Nepal Bilateral Meeting 2026 નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત કરવા, ઊર્જા, સરહદી માળખાકીય સુવિધાઓ, વેપાર અને કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ભારતે નેપાળમાં પૂરથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને 24 હજાર કરોડ નેપાળી રૂપિયાના વિકાસ પેકેજની પણ જાહેરાત કરી હતી.

બાલેન શાહનું ઔપચારિક સ્વાગત
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

બેઠક બાદ બંને નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ નેપાળ સાથેના સંબંધોને વિશ્વાસ, સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને આસ્થાથી જોડાયેલા ગણાવ્યા હતા. તેમણે નેપાળમાં સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર, ઇનોવેશન હબ અને IITના ઓફશોર કેમ્પસ સ્થાપવા સહયોગ આપવાની જાહેરાત કરી હતી. નેપાળી વિદ્યાર્થીઓ માટે ભારતમાં કાયદા અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં શિષ્યવૃત્તિની તકો વધારવાની પણ વાત કરી હતી. નેપાળમાં એગ્રો-ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા સહયોગ આપવાની જાહેરાત પણ કરી હતી.

રેલવે અને સરહદી કનેક્ટિવિટી મજબૂત થશે

ભારત અને નેપાળ વચ્ચે સરહદી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા પણ પગલાં લેવાશે. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના ધારચુલામાં ભારત-નેપાળ વચ્ચે રોડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને બનબસામાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટની આધારશિલા મૂકી હતી. નેપાળના દોઢારા ચાંદની વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટના વિકાસ કાર્યને પણ વેગ આપવાની જાહેરાત કરી હતી.

અયોધ્યા-જનકપુર વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ

ભારત અને નેપાળના બે ધાર્મિક શહેર અયોધ્યા અને જનકપુર વચ્ચે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને બાલેન શાહે વર્ચ્યુઅલી 'સરયુ કમલા સાપ્તાહિક એક્સપ્રેસ'ને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન 604 કિલોમીટરનું અંતર લગભગ 19 કલાકમાં કાપશે. ટ્રેનમાં 17 કોચ હશે. ટ્રેન અયોધ્યાથી દર સોમવારે સાંજે 5:50 વાગ્યે ઉપડશે, જ્યારે જનકપુરથી દર શનિવારે બપોરે 1:10 વાગ્યે રવાના થશે. મનકાપુર, બસ્તી, ગોરખપુર, નરકટિયાગંજ, રક્સૌલ, સીતામઢી, શિશો, મધુબની અને જયનગર સહિતના સ્ટેશનો પર રોકાશે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતના ઉષ્માભર્યા સ્વાગત અને સહયોગ બદલ વડાપ્રધાન મોદી તથા ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને પરસ્પર સન્માન, વિશ્વાસ અને સદ્ભાવનાથી જોડાયેલા ગણાવ્યા હતા.