નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર... કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્યું?
Telangana Phone Tapping Case: તેલંગાણામાં 2023માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ પહેલા તેલંગાણાની સ્પેશિયલ ઓપરેશન્સ ટીમના એક SOT પર કથિત રીતે આશરે 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ વાતની જાણકારી હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મળી છે. એ સમયે રાજ્યમાં ચંદ્રશેખર રાવની BRS સરકાર હતી અને કોંગ્રેસ અને ભાજપ વિપક્ષમાં હતા.
ટેપિંગ 16 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 દરમિયાન થયું
એક પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કથિત ટેપિંગ 16 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 દરમિયાન થયું હતું. તેમજ આ ટેપિંગ કથિત રીતે 2018-19માં શરૂ થયું હતું, અમારી પાસે પુરાવા છે જે સાબિત કરે છે કે રાજ્ય વિધાનસભા ચૂંટણીના 15 દિવસ પહેલા ઓછામાં ઓછા 600 લોકો પર કોઈ કારણ વગર નજર રાખવામાં આવી હતી.'
આ પણ વાંચો: રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી
સંબંધીઓ અને કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 600 લોકોના ફોન ટેપ
એટલું જ નહીં, અધિકારીએ કહ્યું કે જે લોકોના કથિત રીતે ફોન પર દેખરેખ મૂકવામાં આવી હતી, તેમાં રાજકારણીઓ, ચૂંટણી નિષ્ણાતો, પત્રકારો, પક્ષના કાર્યકરો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અધિકારીએ ખુલાસો કર્યો કે, દેખરેખનો વ્યાપ એટલો હતો કે, સંબંધીઓ અને કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. જે લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના લોકો વિપક્ષ સાથે સંકળાયેલા હતા.
કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો
રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ પોલીસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ કુમાર ગૌડ અને ભાજપ નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી બંદી સંજય કુમારને જુબાની માટે બોલાવ્યા હતા. આ ફોન ટેપિંગનો આરોપ સૌપ્રથમ માર્ચ 2024 માં સામે આવ્યો હતો. SIB ના ASP એ હૈદરાબાદના પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં DSP પ્રણીત રાવ પર ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ગેરકાયદે ખોટી પ્રદ્ધતિનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પોલીસે ફરિયાદ દાખલ કરી
પંજાગુટ્ટા પોલીસે આ કેસમાં છ આરોપીઓના નામ આપ્યા છે. આમાં ભૂતપૂર્વ SIB ચીફ ટી પ્રભાકર રાવ, પ્રણીત રાવ, ASP એમ તિરુપથન્ના અને એન ભુજંગા રાવ, ભૂતપૂર્વ DCP ટી રાધા કિશન રાવ અને ટેલિવિઝન ચેનલના માલિક એન શ્રવણ કુમારનો સમાવેશ થાય છે.
જોકે, સુપ્રીમ કોર્ટે પ્રભાકર રાવને ઓગસ્ટ સુધી ધરપકડથી રાહત આપી છે. પરંતુ ડી પ્રણીત રાવ, ભુજંગા રાવ, એમ તિરુપથન્ના અને ટી રાધા કિશન રાવની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એન શ્રવણ કુમાર હાલમાં એક અલગ કેસમાં ચંચલગુડા જેલમાં બંધ છે. તેમને પણ ફોન ટેપિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે ધરપકડમાંથી રાહત આપી છે. પૂર્વ SIB વડાની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.