For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરળમાં પીએફઆઈનો સંઘની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ઝીંક્યો, 70 બસોમાં તોડફોડ

Updated: Sep 23rd, 2022

Article Content Image

- એનઆઈને દેશવ્યાપી દરોડાના વિરોધમાં કેરળ બંધની હાકલ કરાઈ હતી

- દરમિયાન કેરળમાં પીએફઆઈએ બંધ જાહેર કર્યા પછી ઉત્તર પ્રદેશ સરકારે બધા જ જિલ્લાઓમાં પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું હતું. 

- કેરળમાં તોફાની તત્વોએ એમ્બ્યુલન્સને પણ નિશાન બનાવી, હિંસા બદલ પીએફઆઈના 200 કાર્યકરોની ધરપકડ કરાઈ

- તોફાની તત્વો સામે આકરાં પગલાં લેવા હાઈકોર્ટનો આદેશ, કેરળ બંધને પગલે ઉત્તર પ્રદેશમાં બધા જ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડમાં

- યોગ્ય પરવાનગી મળ્યા સિવાય કોઈપણ બંધનું એલાન ન જ આપી શકે : કેરળ હાઈકોર્ટ

નવી દિલ્હી : મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)એ તેની સામે એનઆઈએની કાર્યવાહીના વિરોધમાં કેરળમાં જાહેર કરેલો બંધ હિંસક બન્યો હતો. કેરળના અનેક શહેરોમાં પીએફઆઈના કાર્યકરોએ ૭૦થી વધુ બસો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી તથા મત્તાનૂરમાં પીએફઆઈના બે લોકોએ આરએસએસની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ કેરળ હાઈકોર્ટે સ્વયમેવ આદેશ જારી કરી પોલીસને રમખાણકારો સામે આકરાં પગલાં લેવા હુકમ જારી કર્યો છે.

કેરળના કન્નૂરના પૈય્યાનૂરમાં કેટલાક દુકાનદારોએ પીએફઆઈના બંધને સમર્થન આપવાનો ઈનકાર કરતાં દુકાનો બંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. આથી પીએફઆઈ કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં ફરેવાઈ ગઈ હતી. પૈય્યાનૂર જ નહીં સમગ્ર રાજ્યમાં પીએફઆઈના લોકો દ્વારા પરિવહન બસો પર પથ્થરબાજી, દુકાનો અને વાહનોની તોડફોડ અને રમખાણોના બનાવો નોંધાયા છે.

રાજ્યના વિભિન્ન ભાગોમાં આશરે ૭૦ જેટલી સહકારી બસોને નુકસાન કરાયું છે. ઉત્તર કેરલનાં કન્નૂર સ્થિત આરએસએસનાં કાર્યાલય ઉપર બોમ્બ ફેંકાયો હતો. રાજ્યમાં હિંસા માટે પીએફઆઈના ૨૦૦થી વધુ કાર્યકરોની ધરપકડ કરાઈ છે. કેટલાંક સ્થળોએ તો એમ્બ્યુલન્સ ઉપર પણ પથ્થરબાજી થઈ છે. હિંસામાં ૧૨ મુસાફરો અને છ ચાલકો ઘવાયા છે. પીએફઆઈએ કેરળમાં અનેક જગ્યાએ દુકાનો, હોટેલો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું.

કન્નૂરમાં અખબાર લઈ જતી એક વાન ઉપર બોમ્બ ફેંકાયો હતો. તે જિલ્લામાં જ પોલીસે બે પેટ્રોલ બોમ્બ લઈ જતા PFIના એક કાર્યકરની ધરપકડ કરી છે. કોઝીકોડામાં એક વાહન ઉપર પથ્થરબાજી થતાં ૧૫ વર્ષની એક છોકરી ઘાયલ થઈ હતી. 

કેરલ હાઈકોર્ટે પીએફઆઈની હડતાળની જાહેરાત તથા રાજ્યમાં ફાટી નીકળેલી હિંસાની નોંધ લીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોઈપણ હડતાલ અંગે પહેલેથી જ પ્રતિબંધ મુકાયો છે. યોગ્ય પરવાનગી વિના કે પૂર્વ સૂચના આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ કે સંગઠન બંધનું એલાન આપી જ ના શકે. સાર્વજનિક સંપત્તિને નુકસાન કોઈપણ રીતે ચલાવી નહીં લેવાય. સાથે હડતાળના પ્રતિબંધના આદેશનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવે છે. 

તત્કાળ પડાતી હડતાળ, (ક્લેશ-હડતાળ) પણ ગેરકાયદે છે. આ સંયોગોમાં નિયમોનો ભંગ કરનારાઓ સામે સખત પગલાં લેવા માટે પણ કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો. 

દેશવિરોધી પ્રવૃત્તિઓ બદલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ગુરૂવારે દેશના ૧૫ રાજ્યોમાં પીએફઆઈના ૧૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડીને તેના પદાધિકારીઓની ધરપકડ કરી હતી. 

પીએફઆઈ મુસ્લિમ યુવાનોની આઈએસમાં ભરતી કરતું હતું : એનઆઈએ

પીએફઆઈ દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવાની સાથે મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોમાં તેમની ભરતી કરવામાં પણ સંડોવાયેલું હતું તેમ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ જણાવ્યું હતું. એનઆઈએએ ગુરુવારે પીએફઆઈ વિરુદ્ધ દેશભરમાં ૧૫ રાજ્યોમાં ૧૫૦થી વધુ સ્થળે દરોડા પાડયા પછી ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓના રિમાન્ડની માગણી કરતાં તપાસ સંસ્થાએ કોર્ટમાં આ ઘટસ્ફોટ કર્યો હતો. એનઆઈએએ ૧૩મી એપ્રિલે નોંધાવેલી તેની પહેલી એફઆઈઆરને ટાંકીને એક વિશેષ અદાલતમાં લેખિતમાં જણાવ્યું હતું કે, કાવતરાં હેઠળ આરોપી લોકો હથિયારોનો ઉપયોગ કરીને આતંકી કૃત્યો કરવાની તૈયારીમાં પણ સામેલ હતા.

Gujarat