કોરોનાનો ડર, રસ્તા પર પડેલી 2000ની ચલણી નોટો કોઈ લેવા તૈયાર નહોતુ
નવી દિલ્હી, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ તેમ ડર અને ગભરાટનો માહોલ પણ વધી રહ્યો છે. એટલે સુધી કે રસ્તા પર પડેલી ચલણી નોટો પણ ઉઠાવવા માટે તૈયાર નથી.
મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં રહેતા મૃંત્યુંજય શર્મા નામના વ્યક્તિએ એટીએમમાંથી ગુરુવારે 20000 રુપિયા ઉપાડ્યા હતા. તેઓ ઉતાવળે પાછા ફરવા માંગતા હતા અને તે દરમિયાન 2000ની કેટલીક નોટો રસ્તા પર પડી ગઈ હતી.
આ વાતની મૃત્યુંજય શર્માને ખબર નહોતી. જોકે રસ્તા પર પડેલી નોટો જોઈને કોઈએ અફવા ફેલાવી હતી કે, આ નોટો થુંક લગાડીને ફેંકવામાં આવી છે. આથી જે પણ આ નોટ ઉઠાવશે તેને કોરોના થઈ જશે. તેનો વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો.
સામાન્ય સંજોગોમાં 2000ની નોટ માટે લૂંટફાટ મચી ગઈ હોત પણ કોરોનાના માહોલમાં કોઈ નોટ ઉઠાવવા તૈયાર થયુ નહોતુ. પોલીસે સ્થળ પર પહોંચીને નોટોને ઈટો વડે ઢાંકી દીધી હતી.
દરમિયાન મૃત્યુંજય શર્માને નોટો પડી ગઈ હોવાની ખબર પડી હતી.તે નોટો શોધતા શોધતા રસ્તા પર ફરી રહ્યા હતા. પોલીસે તેમના પૈસા તેમના હવાલે કરી દીધા હતા.