4 કરોડની જ્વેલરી લૂંટનારા આરોપીઓ પકડાયા ફક્ત એક Paytmના ટ્રાન્જેક્શનથી...જાણો સમગ્ર મામલો
- લૂંટારૂઓએ બંને યુવકો પર હુમલો કર્યો બાદમાં તેમની આંખમાં મરચાનો પાવડર નાખીને દાગીના આંચકી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા
નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
દિલ્હીના પહાડગંજ ખાતે 4 કરોડથી વધુના દાગીનાની લૂંટનો મામલો દિલ્હી પોલીસે ઉકેલી લીધો છે. દિલ્હી પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગુનામાં સંડોવાયેલા 4-5 આરોપીઓમાંથી એક પોલીસની યુનિફોર્મમાં હતો. લૂંટારૂઓએ કુરિયર લઈ જતા બે યુવકોની આંખમાં મરચું નાખીને દાગીનાની લૂંટ કરી હતી. આરોપીએ Paytmમાંથી અનેક જગ્યાએ 100 રૂપિયા મોકલ્યા હતા અને પોલીસને સુરાગ મળ્યા હતા. ત્યારબાદ જયપુરથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીમાં બુધવારે સવારે 4:30 વાગ્યે કુરિયર કંપનીની ઓફિસની બહાર લૂંટની ઘટના બની હતી. લૂંટારૂઓએ રૂ.4 કરોડના દાગીનાની લૂંટ કરી હતી. લૂંટની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કુરિયર કંપનીમાં કામ કરતા 2 યુવકો દાગીના લઈને ચંદીગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન 4-5 લોકો ત્યાં આવ્યા હતા. તેમાંથી એક પોલીસ યુનિફોર્મમાં હતો.
લૂંટારૂઓએ બંને યુવકો પર હુમલો કર્યો બાદમાં તેમની આંખમાં મરચાનો પાવડર નાખીને દાગીના આંચકી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. CCTV પરથી એક આરોપીની ઓળખ થઈ હતી. આ ઘટના પહેલા એક આરોપીએ કેબ ડ્રાઈવરને 100 રૂપિયા રોકડા અને 100 રૂપિયા Paytm આપ્યા હતા. ત્યારબાદ ચા વેચનારને 100 રૂપિયા આપવામાં આવ્યા હતા.
કેબ ડ્રાઈવરની પૂછપરછ કરતાં આરોપીનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો. ત્યાર બાદ જયપુરમાંથી 3 આરોપી ઝડપાયા હતા. દિલ્હી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. લૂંટના દાગીના મળી આવ્યા છે અને અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.
વધુ વાંચો: દિલ્હીઃ પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ આંખમાં મરચું નાખીને લૂંટ્યા 2 કરોડના ઘરેણાં