દિલ્હીઃ પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ આંખમાં મરચું નાખીને લૂંટ્યા 2 કરોડના ઘરેણાં
- કુરિયર કંપનીના બંને કર્મચારીઓ પાસે રહેલી બેગમાં ચંદીગઢ-લુધિયાણા પહોંચાડવા માટેના ઘરેણાંના બોક્સ હતા
નવી દિલ્હી, તા. 31 ઓગષ્ટ 2022, બુધવાર
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં લૂંટની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ કુરિયર કંપનીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાખીને આશરે 2 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા ઘરેણાં તફડાવી લીધા છે.
જાણવા મળ્યા મુજબ વહેલી સવારે 4:00 કલાકે આ ઘટના બની હતી. કેટલાક અજ્ઞાત બદમાશોએ કુરિયર કંપનીના કર્મચારીની આંખમાં મરચાંની ભૂકી નાખીને તેના પાસે રહેલા આશરે 2 કરોડ રૂપિયાના ઘરેણાં લૂંટી લીધા હતા. પોલીસને તપાસ દરમિયાન કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે અને ટૂંક સમયમાં જ બદમાશોને ઝડપી લેવામાં આવે તેવી શક્યતા છે.
ચંદીગઢ-લુધિયાણા પહોંચાડવાના હતા ઘરેણાં
પોલીસના કહેવા પ્રમાણે સવારે 4:49 કલાકે તેમને એવો કોલ આવ્યો હતો કે, પહાડગંજમાં 2 લોકો પૈકીના એક વ્યક્તિની આંખમાં મરચાંની ભૂકી નાખીને તેમનો કેટલોક સામાન તફડાવી લીધો છે. તપાસ દરમિયાન પોલીસને 2 બેગમાં ચંદીગઢ અને લુધિયાણા પહોંચાડવા માટેના ઘરેણાંના બોક્સ હોવાની જાણ થઈ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 4 લોકોએ રસ્તામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટી લીધો હતો અને તે પૈકીનો એક આરોપી પોલીસની વર્દીમાં હતો. 2 આરોપીઓએ પહેલા કુરિયર કંપનીના કર્મચારીને ચેકિંગના નામે ઉભા રાખ્યા હતા અને તે સમયે બાકીના 2 બદમાશોએ પાછળથી આવીને આંખમાં મરચાંની ભૂકી નાખીને બેગ અને બોક્સ લૂંટી લીધા હતા.