Get The App

મેડિકલ કોલેજોમાં આધાર આધારિત 'ફેસિયલ’ કે ‘જીપીએસ' હાજરી પ્રાઈવસીનો ભંગ નથી: પટણા હાઈકોર્ટ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
મેડિકલ કોલેજોમાં આધાર આધારિત 'ફેસિયલ’ કે ‘જીપીએસ' હાજરી પ્રાઈવસીનો ભંગ નથી: પટણા હાઈકોર્ટ 1 - image


Patna High Court on Privacy: હાલમાં જ પટણા હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ કોલેજોના ફેકલ્ટી સભ્યો માટે આધાર આધારિત ફેસિયલ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) અને જીપીએસની મદદથી હાજરીની સિસ્ટમ ફરજિયાત બનાવવી એ 'પ્રાઇવસીના અધિકાર'નું ઉલ્લંઘન નથી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ આવી ટેકનોલોજી દ્વારા વહીવટમાં પારદર્શકતા અને 'સુશાસન' લાવવાનો છે.

જાણો શું હતો સમગ્ર મામલો 

બિહારની વિવિધ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં કાર્યરત તબીબોએ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના એક આદેશને પડકારતી અરજી દાખલ થઈ હતી. નેશનલ મેડિકલ કમિશને એપ્રિલ 2025માં એક નોટિસ ફટકારીને તમામ મેડિકલ સંસ્થાઓને 1 મે, 2025થી આધારની મદદથી જીપીએસ લોકેશન ટેગિંગ સાથેની ફેસિયલ રેકગ્નિશન હાજરી સિસ્ટમ અપનાવવા સૂચના આપી હતી. 

આ નિયમ હેઠળ, ફેકલ્ટી સભ્યોએ સંસ્થાના 100 મીટરના દાયરામાં રહીને મોબાઈલ એપ દ્વારા હાજરી પૂરવી અનિવાર્ય હતી. જો કે, અરજદારોની દલીલ હતી કે આ પદ્ધતિ તેમની પ્રાઇવસી પર તરાપ મારે છે. તેમણે સરકારના આ આદેશને રદ કરવાની અને અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલ ડેટાને ડિલીટ કરવાની માંગ કરી હતી.

‘પાયાવિહોણી આશંકાના આધારે નીતિઓ ના પડકારી શકાય’

પટણા હાઈકોર્ટના જસ્ટિસ બિબેક ચૌધરીની બેન્ચે આ અરજીને ફગાવતા નોંધ્યું કે, ‘માત્ર વ્યક્તિ જાહેર સ્થળે છે તેના કારણે તેની પ્રાઈવસી ખતમ થઈ જતી નથી, પરંતુ હાજરી નોંધવાની આધુનિક પદ્ધતિને મૌલિક અધિકારોનું હનન ગણી શકાય નહીં.’ અદાલતે નોંધ્યું કે, ફક્ત પાયાવિહોણી આશંકાઓને આધારે કોઈ સરકારી નીતિને પડકારી શકાય નહીં. અરજદારોએ મૌલિક અધિકારોના ઉલ્લંઘનનો કોઈ ચોક્કસ પુરાવો રજૂ કરવો જોઈએ.

ફિંગરપ્રિન્ટ આધારિત સિસ્ટમની ખામીઓ દૂર કરવાની દલીલ

આ મુદ્દે સરકાર વતી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, અગાઉની ફિંગરપ્રિન્ટ આધારિત સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરવા અને તબીબોની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા માટે જીપીએસ ટેગિંગ સાથેની સિસ્ટમ જરૂરી છે. આખા દેશમાં મેડિકલ ક્ષેત્રે પારદર્શકતા લાવવા માટે બાયોમેટ્રિક હાજરી લાગુ કરાઈ છે.

આ પણ વાંચો: VIDEO : આસામના કોકરાઝારમાં હિંસા, યુવકની હત્યા બાદ આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ

અંતે, પટણા હાઈકોર્ટે ઠરાવ્યું કે, શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓમાં શિસ્ત અને જવાબદારી નક્કી કરવા માટે ટેકનોલોજીનો આવો ઉપયોગ કાયદેસર છે અને તે બંધારણીય મર્યાદાઓમાં જ છે. આ ચુકાદાથી હવે મેડિકલ ફેકલ્ટી માટે નવી ડિજિટલ હાજરી સિસ્ટમનો માર્ગ મોકળો થયો છે.