VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો
Delta Air Lines Flight : બોઇંગના એક વધુ વિમાનમાં ખામી સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં ડેલ્ટા એરલાઇન દ્વારા સંચાલિત બોઈંગનું 737-800 મોડેલ વિમાન જ્યારે હવામાં હતું, ત્યારે તેની ડાબી પાંખનો એક ભાગ તૂટીને અલગ થઈ ગયો હતો. આ ઘટના 19મી ઓગસ્ટે અમેરિકામાં બની હતી.
મુસાફરોએ ફ્લાઈટમાં આંચકો અનુભવ્યો
રિપોર્ટ મુજબ ફ્લાઈટ નંબર-1893 ઓર્લાન્ડોથી ટેક્સાસના ઓસ્ટિન જઈ રહ્યું હતું અને તેમાં 62 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ટેકઓફના થોડા સમય બાદ જ્યારે વિમાન લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું, ત્યારે મુસાફરોએ પાંખનો એક ભાગ તૂટીને લટકતો જોયો હતો, જેના કારણે મુસાફરોએ વિમાનમાં આંચકો પણ અનુભવ્યો હતો.
લેન્ડિંગ બાદ ખામીની ખબર પડી
ડેલ્ટા એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘લેન્ડિંગ બાદ જાણવા મળ્યું કે ડાબી પાંખનો એક ભાગ તેની જગ્યાએ ન હતો. વિમાનને તાત્કાલિક સર્વિસમાંથી હટાવી દેવામાં આવ્યું છે. અમે અમારા ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ, કારણ કે અમારા લોકો અને ગ્રાહકોની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.’
આ પણ વાંચો : હવે ટ્રમ્પની નજર 5.5 કરોડ વિઝાધારકો પર, માઈગ્રન્ટ્સને તગેડી દેવાના તમામ વિકલ્પ પર નજર
પાયલોટને સમયસૂકતાના કારણે મોટી દુર્ઘટના ટળી
સદનસીબે, વિમાનને કોઈ મોટું નુકસાન થયું ન હતું અને પાયલોટે તેને ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લીધું હતું. આ ઘટના બાદ, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. એરલાઇને આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે વિમાનને સર્વિસમાંથી હટાવી લેવામાં આવ્યું છે. આ કારણે 20 ઓગસ્ટની તેની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર વિમાનની જાળવણી અને ટેકનિકલ તપાસ પર ગંભીર સવાલો ઊભા કરે છે.