Get The App

AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
AIના દુરુપયોગ મામલે ગંભીરતાની જરૂર: બજેટ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની 10 મોટી વાતો 1 - image


Parliament Budget Session 2026 : આજથી સંસદમાં બજેટ સત્રની શરુઆત થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહની સંયુક્ત બેઠકોમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે તમામ સાંસદોએ ગૃહ યોગ્ય રીતે ચાલવા દેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર યોગ્ય સામાજિક ન્યાય માટે સમર્પિત છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ કરવાનો સરકારનો દૃષ્ટિકોણ તમામ નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ભારતે છેલ્લા 10-11 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પોતાનો પાયો મજબૂત કર્યો છે, જે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યાંકનો મજબૂત પાયો છે. કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળમાં ગરીબોને સશક્ત બનાવવાનું અભિયાન ઝડપી ચાલી રહ્યું છે.’

95 કરોડ લોકોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો : રાષ્ટ્રપતિ મૂર્મુ 

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે સમર્પિત છે અને તેના પરિણામે એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે. વર્ષ 2014 સુધી માત્ર 25 કરોડ લોકોને જ સામાજિક સુરક્ષાનો લાભ મળતો હતો, જોકે આજે 95 કરોડ લોકોને તેનો લાભ મળ્યો છે.

આ પણ વાંચો : બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે 'કાળ' સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના અભિભાષણની 10 મહત્ત્વની વાતો

1... ‘મને સંસદના આ સત્રને સંબોધિત કરવાનો આનંદ થઈ રહ્યો છે. વર્ષ 2025માં ભારતની ઝડપી પ્રગતિ થઈ છે, જે યાદગાર છે. દેશભરમાં વંદે મારતમના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. આ મહાન પ્રેરણા માટે નાગરિકો બંકિમ ચંદ્ર ચેટર્જીને નમન કરી રહ્યા છે. સંસદમાં વંદે માતરમ્ પર ખાસ ચર્ચા હોવાના કારણે હું તમામ સાંસદોને અભિનંદન પાઠવું છું. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુક્ત તંત્ર આપવામાં સફળ થઈ છે અને તેનાથી એક-એક પૈસો ભારતના વિકાસમાં ખર્ચ થઈ રહ્યો છે.’

2... ‘અગાઉના વર્ષે દેશભરમાં શ્રી ગુરુ તેજ બહાદુરજીની 350મી શહીદી દિવસની ઉજવણી કરાઈ, બિરસા મુંડાની 150મી જન્મ જ્યંતિએ શ્રદ્ધાંજલી પાઠવીને આદિવાસી સમાજના યોગદાનને યાદ કરવામાં આવ્યું. સરદાર પટેલની 150મી જન્મ જ્યંતિ ઉજવણી દરમિયાન અનેક કાર્યક્રમો યોજીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવામાં આવ્યું. દેશભરના નાગરિકો સાક્ષી છે કે, કેવી રીતે ભારત રત્ન ભૂપેન હજારિકાના જન્મ જ્યંતિ સમારોહે દેશને સંગીત અને એકતાની ભાવનાથી ભરી દીધું. જ્યારે દેશના નાગરિકો પોતાના પૂર્વજોના યોગદાનને યાદ કરે છે, તો નવી પેઢીને પ્રેરણા મળે છે અને આનાથી જ વિકસિત ભારતની યાત્રાને વેગ મળે છે.’

3... ‘વર્ષ 2026ની શરુઆત થતાં જ આપણા દેશે સદીના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. સદીના પ્રથમ 25 વર્ષ ભારત માટે અનેક સફળતાઓ, ગર્વ ભરેલી ઉપલબ્ધિઓ અને અસાધારણ અનુભવોથી ભરેલા રહ્યા છે. છેલ્લા 10-11 વર્ષમાં ભારતે તમામ ક્ષેત્રોમાં પોતાનો પાયો મજબૂત કર્યો છે, જે વિકસીત ભારતની યાત્રાનો મહત્ત્વનો આધાર છે.

4... ‘મારી સરકાર સંપૂર્ણ સંવેદનશીલતાથી દલિતો, પછાત વર્ગો, આદિવાસી સમુદાયો અને બધા માટે કામ કરી રહી છે. તમામ નાગરિકોના જીવનમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અભિયાનની સકારાત્મક અસર જોવા મળી રહીછે. 2014ની શરુઆતમાં સામાજિક સુરક્ષાની યોજનાઓનો માત્ર 25 કરોડ નાગરિકોને લાભ મળ્યો હતો, ત્યારબાદ સરકારના પ્રયાસોથી હવે 95 કરોડ ભારતીયોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે.’

5... તેમણે બંને ગૃહોના સાંસદોને સંબોધિત કરીને કહ્યું કે, ‘આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના દુરુપયોગ મામલે ગંભીરતા રાખવી ખૂબ જરૂરી છે. ડીપ ફેક્સ અને નકલી સામગ્રી લોકશાહી, સામાજિક સંવાદિતા અને જાહેર વિશ્વાસ માટે મોટો ખતરો બની રહી છે. તમારે બધાએ આ મુદ્દા પર સાથે મળીને વિચાર કરવો જોઈએ.’

6... ‘ગ્રામી વિસ્તારોમાં રોજગાર અને વિકાસ કરવા માટે ‘વિકસિત ભારત-ગ્રામ કાયદો’ બનાવાયો છે. આ નવા સુધારાથી ગામડાઓમાં 125 દિવસની રોજગારીની ગેરન્ટી મળશે.’ આ દરમિયાન એનડીએ-ભાજપ સાંસદોએ પાટલી થપથપાવીને ભાષણનું સ્વાગત કર્યું હતું. બીજીતરફ વિપક્ષી સાંસદો ઊભા થઈ ગયા હતા અને કાયદો પરત લેવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો.

7... રાષ્ટ્રપતિએ 2025માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે ભારતનું પરાક્રમ દેખાડી દીધું છે. સરકારે સંદેશ આપ્યો છે કે, કોઈપણ આતંકવાદી હુમલા વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે.’

8... ‘કેન્દ્ર સરકારની નીતિ મુજબ સુરક્ષા દળોએ ઉગ્રવાદ સામે પણ નિર્ણાયક કાર્યવાહી કરી છે. આ નીતિના કારણે 126 જિલ્લામાં ચાલી રહેલી માઓવાદી પ્રવૃત્તિ ઘટીને 8 જિલ્લા પર આવી ગઈ છે અને તેમાંથી માત્ર ત્રણ જિલ્લામાં જ ગંભીર અસર છે.

9... ‘કેન્દ્ર સરકાર વિકસિત ભારતની પ્રથમ પ્રાથમિકતા તરીકે ખુશખુશાલ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ ભાવનાના કારણે સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજના શરુ કરી.’

10... રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘વિકસિત ભારત જી રામ જી અધિનિયમ’ની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘આ કાયદાથી ગામડાઓના વિકાસને નવી ગતિ મળશે અને ભ્રષ્ટાચાર અટકાવવામાં મદદ થશે. આ અધિનિયમથી ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના વિકાસ માટે નવી સુવિધાઓ વિકસિત થશે.’

આ પણ જુઓ : PHOTO, મહારાષ્ટ્ર પ્લેન ક્રેશના ભયાનક દૃશ્યો, અજિત પવારના અચાનક મૃત્યુથી પરિવારને આઘાત