50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી 'બાળમજૂરી' કરાવી
Betul Child Rescue: મધ્યપ્રદેશના બેતુલમાં માતા-પિતા 50 હજારનું દેવું ન ચૂકવી શકતા એક માસૂમ બાળકને 6 વર્ષ સુધી બંધક બનાવી રાખવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.
શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દંપતી ગંજુ ઉઈકે અને સરિતા ઉઈકેએ 2019માં હરદા જિલ્લાના ઝીરીખેડા ગામમાં મજૂરી કામ કરતી વખતે એક કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. કોન્ટ્રાક્ટર રૂપેશ શર્માએ આ દંપતી દેવું ન ચૂક્યા હોવાથી તેમના સાત વર્ષના પુત્ર ગોવિંદને બંધક બનાવી લીધો અને તેને ઢોર ચરાવવા અને ઘરકામ પર લગાવી દીધો.
માતા-પિતા તમામ પ્રયાસો બાદ પણ દીકરાને આઝાદ ન કરાવી શક્યા
માતા-પિતા ઘણી વખત પોતાના દીકરાને મુક્ત કરાવવા માટે હરદા ગયા, પરંતુ કોન્ટ્રાક્ટરે તેને પરત કરવાનો ઇન્કાર કરી દીધો. તાજેતરમાં જ જન સહસ સંસ્થાના સામાજિક કાર્યકર પલ્લવી ઠાકરાકરને ગ્રામજનો પાસેથી આ અમાનવીય કૃત્યની જાણ થઈ. તેમણે કલેક્ટર અને શ્રમ વિભાગને આ અંગે જાણ કરી. ત્યારબાદ, બેતુલ વહીવટીતંત્રે એક ટીમ બનાવી અને પોલીસની મદદથી ગોવિંદને મુક્ત કરાવ્યો.
કોન્ટ્રાક્ટરે બાળકને છુપાવવાનો પ્રયાસ કર્યો
બચાવ ટીમ પહોંચતા જ કોન્ટ્રાક્ટરના ભાઈ મુકેશ શર્માએ બાળકને ખેતરોમાં મોકલીને છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીમે તેને સુરક્ષિત રીતે બચાવી લીધો. કાર્યવાહી દરમિયાન વિવાદ પણ થયો, પરંતુ આખરે બાળકને મુક્ત કરવામાં આવ્યો. હરદા પોલીસે કોન્ટ્રાક્ટર રૂપેશ શર્મા વિરુદ્ધ બાળ મજૂરી અધિનિયમ અને કિશોર ન્યાય અધિનિયમની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
મુક્ત થયા છતાં માતા-પિતા પાસે ન જઈ શક્યો બાળક
હવે, ગોવિંદને તેના માતા-પિતાને સોંપવામાં સૌથી મોટો અવરોધ ઓળખ દસ્તાવેજોનો અભાવ છે. ગંજુ અને સરિતા પાસે તેમના પુત્રનું જન્મ પ્રમાણપત્ર પણ નથી. જિલ્લા વહીવટીતંત્રે દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. હાલમાં ગોવિંદને છિંદવાડા બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું
માતા સરિતાએ કહ્યું કે, 'મારા દીકરાને છોડીને આવવું એ મારા જીવનનું સૌથી મોટું દુઃખ છે. મને આશા હતી કે, રેસ્ક્યુ પછી ગોવિંદ મારી પાસે પાછો આવી જશે, પરંતુ દસ્તાવેજોના અભાવે તેને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે.'