India

ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો 'જાસૂસ', યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોચી લેવાયો

By GS TEAM
21 Dec 20252 mins read
TukuTouch Logo
પંજાબ અને મોતિહારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કો-ટેરરના એક ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હરિયાણાના સિરસા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલાનું જે કાવતરું ઘડાયું હતું, તેમાં ભારતીય સેનાના ફરાર જવાન રાજવીર સિંહનો હાથ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને 500 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. રાજવીર બિહારના રક્સૌલ બોર્ડર થઈને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય સેનાનો જવાન નીકળ્યો પાકિસ્તાનનો 'જાસૂસ', યુરોપ ભાગે તે પહેલા જ બિહાર બોર્ડરથી દબોચી લેવાયો

Pakistani Spy in India : પંજાબ અને મોતિહારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નાર્કો-ટેરરના એક ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હરિયાણાના સિરસા પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલાનું જે કાવતરું ઘડાયું હતું, તેમાં ભારતીય સેનાના ફરાર જવાન રાજવીર સિંહનો હાથ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ અને 500 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. રાજવીર બિહારના રક્સૌલ બોર્ડર થઈને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાની હેન્ડલરો સાથે સીધો સંપર્ક હોવાનો ખુલાસો

તપાસમાં ખુલાસો થયો છે કે, 2011માં ભારતીય સેનામાં જોડાયેલો રાજવીર સિંહ વર્ષ 2022માં સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલરો સાથે સંપર્કમાં આવ્યો હતો. હેરોઈનની લાલચમાં તે સેનાની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. ફેબ્રુઆરી 2025માં જાસૂસીના કેસમાં નામ બહાર આવ્યા બાદ તે સેનામાંથી ફરાર થઈ ગયો હતો. એટલું જ નહીં, તેણે અન્ય સૈન્ય કર્મચારીઓને પણ પાકિસ્તાની હેન્ડલરો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 'શિંદે'સેનાએ અનેક બેઠકો પર ભાજપને આપી મ્હાત, 'સ્ટ્રાઈક રેટ' જોઈ વિરોધીઓ ચોંક્યા

રાજવીર ગ્રેનેડ હુમલામાં સામેલ હતો

હરિયાણાના સિરસામાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલામાં પણ રાજવીર અને તેનો સાથી ચિરાગ સામેલ હતો. આ બંનેએ અમૃતસરના ગુરજંત સિંહને હેન્ડ ગ્રેનેડ આપ્યો હતો. હરિયાણા પોલીસે ગુરજંતની અગાઉ ધરપકડ કરી લીધી છે. ચિરાગ દ્વારા જ હુમલા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી.

યુરોપ ભાગી જવાની ફિરાકમાં હતો

પંજાબ એસએસઓસીના જણાવ્યા મુજબ, સેનામાંથી ફરાર થયા બાદ રાજવીર નેપાળમાં છુપાયો હતો અને ત્યાંથી પંજાબ-નેપાળ વચ્ચે નશાની તસ્કરીનું નેટવર્ક ચલાવતો હતો. તેના પાકિસ્તાની હેન્ડલરો તેને નેપાળના રસ્તે યુરોપ મોકલવાની તૈયારીમાં હતા. જોકે, પંજાબ અને મોતિહારી પોલીસે રક્સૌલ બોર્ડર પર જ તેને દબોચી લીધો છે અને હાલ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પંજાબ લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલાને લઈને ભારતનું આકરું વલણ, હિન્દુ યુવકની હત્યા મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન