પાણી રોક્યું તો પરમાણુ હથિયારોથી જવાબ આપીશું', પાકિસ્તાનની વધુ એક ધમકી અને પશ્ચિમી દેશોનું મૌન
India Pakistan Tension: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સતત વધી રહી છે. ભારત દ્વારા હુમલો થવાના ભય વચ્ચે પાકિસ્તાને પોતાના પડોશી દેશ પર ન્યૂક્લિઅર હુમલો કરવાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ ચીમકી આપી છે કે, જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે, અથવા સિંધુ નદીના પાણી રોકશે, તો પાકિસ્તાન માત્ર પરંપરાગત નહીં ન્યૂક્લિઅર હથિયારો વડે જવાબ આપશે.
રશિયાના મીડિયા સાથે વાત કરતાં પાકિસ્તાની રાજદૂતે જણાવ્યું કે, અમારી પાસે ભારત દ્વારા ચાલી રહેલી સેનાની કાર્યવાહીની યોજનાના તમામ પુરાવા છે. અમુક લીક થયેલા દસ્તાવેજોમાં તે પાકિસ્તાનના અમુક વિસ્તારો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. જેનાથી અમને લાગે છે કે, આ હુમલો ટૂંક જ સમયમાં ગમે ત્યારે થઈ શકે છે.
સિંધુ જળ સંધિ રોકવા પર પાકિસ્તાન ગભરાયું
જમીલે કહ્યું કે, પાકિસ્તાન કોઈપણ હુમલાની સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપશે. જેમાં પારંપારિક અને ન્યૂક્લિઅર હથિયારો બંને સામેલ થશે. ભારત દ્વારા સિંધુ જળ સંધિ રોકવાના નિર્ણય પર જમાલીએ કહ્યું કે, જો ભારત નીચલા હિસ્સાથી પાણી અટકાવશે, તો તેને પાકિસ્તાન વિરૂદ્ધ એક્ટ ઑફ વૉર (યુદ્ધની કાર્યવાહી) ગણવામાં આવશે. અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. નોંધનીય છે, પાકિસ્તાન સતત ભારતને યુદ્ધ માટે ભડકાવી રહ્યું છે. તેની આ ધમકીઓ સામે વિશ્વના નેતાઓ મૌન ધારણ કરી બેઠા છે.
તણાવ ઘટાડવો જરૂરી
જમાલીએ એકબાજુ ન્યૂક્લિઅર હુમલો કરવાની તૈયારી દર્શાવી તો બીજી બાજુ ભારત સાથે તણાવ ઘટાડવા અપીલ કરી છે. જમાલીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને ન્યૂક્લિઅર શક્તિથી સંપન્ન દેશ છે. આથી તણાવ ઘટાડવો અત્યંત જરૂરી છે. કાશ્મીર હુમલાની તટસ્થ અને વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની માગ કરીએ છીએ. જેમાં ચીન અને રશિયા સહકાર આપે તેવી અપેક્ષા છે.
PM નિવાસ સ્થાને હાઈ લેવલ મિટિંગ
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. તેમની વચ્ચે પહલગામ આતંકી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર હાઈ લેવલ મિટિંગ યોજાઈ હતી. વડાપ્રધાન આ હુમલા બાદ ભારતીય સેનાની ત્રણ પાંખો સાથે સતત બેઠકો કરી નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે પહલગામ હુમલા બાદ સમગ્ર વિશ્વને આતંકવાદીઓનો ખાતમો બોલાવવાનું વચન આપ્યું હતું.