Get The App

રાહુલ ગાંધી 1984 શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું- કોંગ્રેસ કાળમાં ઘણી બધી ભૂલો થઈ

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
રાહુલ ગાંધી 1984 શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું- કોંગ્રેસ કાળમાં ઘણી બધી ભૂલો થઈ 1 - image


Rahul Gandhi Takes Responsibility Of 1984 Anti Sikh Riots: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 1984ના શીખ વિરોધી રમખાણોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, તેઓ પક્ષના ઈતિહાસમાં થયેલી ભૂલની જવાબદારી લેવા તૈયાર છે. આ નિવેદન તેમણે  અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું હતું.

રાહુલ ગાંધીને બ્રાઉન યુનિવર્સિટીના વોટ્સન ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સમાં આયોજિત એક સેશનમાં શીખ યુવકે 1984 શીખ વિરોધી રમખાણો મુદ્દે તીખા પ્રહારો કરતાં સવાલો પૂછ્યા હતાં. શીખ યુવકે પૂછ્યું હુતં કે, તમે કહ્યું હતું કે, ભાજપના રાજમાં શીખોને હાથમાં કડું પહેરવાથી અને માથામાં પાઘડી બાંધવાથી અટકાવવામાં આવી શકે છે. પરંતુ કોંગ્રેસે પોતે જ શીખોને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી ન હતી. શું તમે 1984માં થયેલા રમખાણોમાં સજ્જનકુમાર જેવા નેતાઓને બચાવવામાં પક્ષની ભૂમિકા મુખ્ય હોવાની જવાબદારી લો છો?



રાહુલ ગાંધીએ આપ્યો જવાબ, સ્વીકારી ભૂલ

રાહુલ ગાંધીએ આ શીખ યુવકના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ઘણી બધી ભૂલો ત્યારે થઈ હતી, જ્યારે હું રાજકારણમાં ન હતો. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા થયેલી પ્રત્યેક ભૂલોની જવાબદારી સ્વીકારવા તૈયાર છું. હું જાહેરમાં કહી રહ્યો છું કે, 1984માં જે થયું હતું, તે ખોટુ હતું. હું અનેક વખત સુવર્ણ મંદિર જઈ આવ્યો છું, અને શીખ સમુદાય સાથે મારા સારા સંબંધ છે. 



ભાજપ-કોંગ્રેસ આમને સામને

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપના શાસનકાળ દરમિયાન ધાર્મિક સ્વતંત્રતાનો જે ભય છે, તે વાસ્તવિક છે. રાહુલના આ કટાક્ષ પર ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે જવાબ આપ્યો કે, રાહુલ ગાંધી હવે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં મજાકને પાત્ર બન્યા છે. અન્ય ભાજપ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ ટીકા કરી કે, આ શીખોનું દર્દ અને ગુસ્સાની અભિવ્યક્તિ હતી. રાહુલ ગાંધીનું નિવેદન કોઈ માફી માટે નથી, પરંતુ એક રાજકીય ડ્રામા છે. અન્ય એક ભાજપ પ્રવક્તા આરપી સિંહે પક્ષ નિકાલ કરવાની માગ સાથે કહ્યું કે, જો રાહુલ ગાંધી વાસ્તવમાં જવાબદારી લેવા માગતા હોય તો તેઓએ તાત્કાલિક ધોરણે સજ્જનકુમાર, જગદીસ ટાઈટલર અને કમલનાથને પક્ષમાંથી બહાર કરવા જોઈએ.

1984 શીખ વિરોધી રમખાણ

1984માં તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ હત્યા અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિરમાં આતંકવાદી હુમલા દરમિયાન તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લ્યૂ સ્ટારને મંજૂરી આપવા બદલ થઈ હતી. પરંતુ વડાપ્રધાનની હત્યા બાદ દિલ્હીમાં શીખ સમુદાય વિરૂદ્ધ ભીષણ હિંસા થઈ હતી. હજારો શીખની હત્યા કરી દેવામાં આવી હતી. 2013માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે સંસદમાં આ મામલે શીખ સમુદાય પાસે માફી માગી હતી. ત્યારબાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ દિલગીરી વ્યક્ત કરી હતી.


રાહુલ ગાંધી 1984 શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર, કહ્યું- કોંગ્રેસ કાળમાં ઘણી બધી ભૂલો થઈ 2 - image

Tags :