ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો
Pakistan PM Ready To Resolve Disputes With India: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી. હાલ બંને દેશોએ યુદ્ધવિરામ પર સહમતિ આપી છે. ભારતના મિત્ર દેશ ઈરાનમાં પહોંચી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે વાતચીત કરવાનો રાગ આલાપ્યો છે. તો બીજી બાજુ ભારતના આક્રમક વલણનો જવાબ આપવાની તૈયારી પણ દર્શાવી છે. ઈરાન મુલાકાત દરમિયાન શરીફે કાશ્મીર, સિંધુ જળ સંધિ અને આતંકવાદ સહિત તમામ મુદ્દાઓ પર સીધી વાતચીત કરવાનું નિવેદન આપ્યું છે. જે સૌ કોઈને આશ્ચર્યમાં મુકી રહ્યું છે, કારણકે આ જ પાકિસ્તાને ભારતની આતંકવાદ વિરોધી કાર્યવાહીનો સામનો કરવા ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતાં.
શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે કાશ્મીર અને સિંધુ જળ સંધિના મુદ્દા સહિત તમામ વિવાદો વાતચીતના માધ્યમથી ઉકેલવા તૈયાર છીએ. અમે અમારા પડોશી સાથે વેપાર અને આતંકવાદ વિરોધી મુદ્દાઓ પર પણ વાતચીત કરવા તૈયાર છીએ.
જો ભારતે આક્રમક વલણ અપનાવ્યું તો..
શરીફે કહ્યું કે, જો ભારત આક્રમક વલણ અપનાવવાનું પસંદ કરશે તો અમે થોડા દિવસ પહેલાં જેમ અમારા ક્ષેત્રની સુરક્ષા કરી તેમ આગળ પણ સુરક્ષા કરતાં રહીશું. પરંતુ મારા શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કરશે તો અમે ગંભીરતાપૂર્વક અને પ્રમાણિકતાથી શાંતિના માર્ગે ચાલીશું. અમે પડોશી સાથેના તમામ વિવાદો ઉકેલવા માગીએ છીએ.
પાકિસ્તાને પોતાને વિજયી ગણાવ્યો
શરીફે આગળ વાત કરતાં દાવો કર્યો કે, હાલમાં જ ભારત સાથે ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચેની સેનાના ઘર્ષણ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદે ચિંતા વ્યક્ત કરી હતી. જેને અમે માન આપીએ છીએ. આ તંગદિલી દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનની મુલાકાત કરી હતી. તે પણ પ્રશંસનીય છે. ઈરાન એક ઉત્કૃષ્ટ રાજનેતા છે.
ભારત માત્ર આ મુદ્દે જ વાત કરવા તૈયાર
ભારત પહેલાંથી જ સ્પષ્ટતા આપતું આવ્યું છે કે, તે પાકિસ્તાન સાથે માત્ર POK અને આતંકવાદ મુદ્દે જ વાત કરવા તૈયાર છે. ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માગતો નથી. કારણકે, પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ પહલગામમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠને હુમલો કરી 26 નિર્દોષના જીવ લીધા હતાં. ત્યારબાદ પાકિસ્તાન દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનમાં 20 જેટલા ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.