Updated: May 26th, 2023
ઈસ્લામાબાદ, તા.26 મે-2023, શુક્રવાર
પાકિસ્તાનમાં વધતા જતા આંતરીક વિવાદ અને ત્યાંની સ્થિતિને ધ્યાને રાખી પાકિસ્તાની સેના અને વહિવટી તંત્રએ પ્રજાનું ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરી રહી છે અને પોતાનું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. તેણે કહ્યું કે, ભારતીય દળોના જળ, જમીન અને હવાઈ યુનિટ પાકિસ્તાન પર મર્યાદિત કાર્યવાહી કરવા માટે સરહદ પર યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ માટે કેટલીક તસવીરો પણ બહાર પાડવામાં આવી છે.
પાકિસ્તાન પાસે પોર્ટેબલ કન્ટેનર અથવા બ્રીફકેસમાં લઈ જઈ શકાય તેવા પરમાણુ હથિયારો
ઉપરાંત પાકિસ્તાની સેના અને વહિવટી તંત્રએ પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર કમાન્ડ ધરાવતી નેશનલ કમાન્ડ ઓથોરિટીના સલાહકાર દ્વારા પ્રજાને જાણકારી આપી છે કે, તેમની પાસે કેટલા પરમાણુ હથિયારો છે અને કયા નવા પરમાણુ હથિયારો બનાવાયા છે. નિવેદનમાં કહેવાયું છે કે, પાકિસ્તાન પાસે હવે એવા પરમાણુ હથિયારો છે, જેને માત્ર એક સૈનિક પોર્ટેબલ કન્ટેનર અથવા બ્રીફકેસમાં લઈ જઈ શકે છે.
‘ભારતીય સેના પાકિસ્તાનની સરહદ પર મોટો યુદ્ધ અભ્યાસ કરી રહી છે’
પાકિસ્તાનમાં હાલ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. આંતરિક વિવાદ, વધતી જતી મોંઘવારી અને રાજકારણમાં શબ્દયુદ્ધના કારણે પાકિસ્તાનની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. ઈમરાન ખાનના વિવાદ બાદ તેમની સેના પણ હવે ઘણી જગ્યાએ મોરચો સંભાળી શકતી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને પ્રશાસને પોતાનું છેલ્લું શસ્ત્ર ઉગામી પોતાના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી છે કે, ભારત ગમે ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરી શકે છે અને પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયારો છે. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા એક સંગઠને આજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ભારતીય સેના છેલ્લા એક મહિનાથી પાકિસ્તાનની સરહદ પર એક મોટો યુદ્ધ અભ્યાસ કરી રહી છે.
ભારતીય સેનાનો દેખાડ્યો ડર
નિવેદન મુજબ ભારતીય સેનાએ આ મહિને પાકિસ્તાન પાસેની સરહદો પર સંયુક્ત દળની આક્રમક કવાયત હાથ ધરી હતી. ભારતીય સેનાની પંજાબ સ્થિત સ્ટ્રાઈક કોર્પ્સને તૈનાત કરાઈ. ભારતીય વાયુસેનાએ કાશ્મીર અને પંજાબમાં બે અઠવાડિયાની વિશાળ કવાયત કરી, જેમાં એક ડઝનથી વધુ વિવિધ પ્રકારના વિમાનો તૈનાત કરાયા... પાકિસ્તાને દાવો કર્યો છે કે, તેમાં ફાઈટર એરક્રાફ્ટ, ડ્રોન એરલિફ્ટર અને અન્ય મોટા જહાજો અને યુદ્ધમાં વપરાતા જહાજોનો સમાવેશ થાય છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય નૌસેનાએ 1 દિવસમાં 7 એટેક સબમરીન તૈનાત કરી છે જે પાકિસ્તાનની 4 સબમરીનના કુલ કાફલા કરતા કદમાં મોટી હતી.
નેશનલ કમાન્ડ ઓથોરિટી દ્વારા કરાઈ જાહેરાત
પાકિસ્તાની લોકોને વધુ સમજાવવા માટે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રાગારને કમાન્ડ અને કંટ્રોલ કરતી પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટીના સલાહકાર પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ખાલિદ કિડવાઈ દ્વારા એક જાહેરાત કરાઈ, જેમાં પાકિસ્તાન પાસે પરમાણુ સસ્ત્રોની સ્થિતિ શું છે, તેની વિસ્તૃત જાણકારી અપાઈ. આ નિવેદનમાં કહેવાયું છે કે ,પાકિસ્તાન પાસે હવે એવા પરમાણુ હથિયારો છે જેને માત્ર એક સૈનિક પોર્ટેબલ કન્ટેનર અથવા બ્રીફકેસમાં લઈ જઈ શકે છે. ઉપરાંત તેની પાસે 2750 કિલોમીટરની રેન્જને લક્ષ્ય બનાવતા પરમાણુ હથિયારો છે.