પાકિસ્તાનની નિર્લજ્જતા, પહલગામ આતંકી હુમલામાંથી TRFનું નામ હટાવ્યું હોવાની કબૂલાત
Pakistan Removes TRF Name From Pahalgam Attack: પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ UNSCના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ TRFનું નામ દૂર કર્યું હતું.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે, મેં જ UNSC (યુનાઇટેડ નેશન્સ ઑફ સિક્યુરિટી કાઉન્સિલ) દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાંથી પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન TRF(ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)નું નામ દૂર કર્યુ હતું.
ટીઆરએફએ પલટી મારી હતી
આંતકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ બાદમાં અચાનક જ આ જવાબદારીમાંથી હાથ ઝાટક્યા હતા કે, તેને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ટીઆરએફની પલટીથી જ લોકોએ અંદાજ લગાવ્યો હતો કે, પાકિસ્તાન સરકારના કહેવા પર ટીઆરએફે આ નિવેદન આપ્યું હશે. બાદમાં બીજા દિવસે પાકિસ્તાન સરકારે વિશ્વ સમક્ષ પહલગામ હુમલા મુદ્દે નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.
UNSCએ હુમલાની કરી હતી નિંદા
પાકિસ્તાને UNSC તરફથી મોકલેલા પ્રસ્તાવમાંથી આતંકી સંગઠનનું નામ દૂર કર્યું હતું. UNSCમાં 10 અસ્થાયી સભ્યો સામેલ છે. જે 2-2 વર્ષ માટે ચૂંટાય છે. સંસદમાં પાકિસ્તાન વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું હતું કે, UNSC તરફથી પહલગામ હુમલા સાથે જોડાયેલો એક નિંદા પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જેમાં પહલગામનો ઉલ્લેખ હતો, જમ્મુ-કાશ્મીરનો ન હતો. પાકિસ્તાને આ મુદ્દે આપત્તિ વ્યક્ત કરતાં હુમલા માટે જવાબદાર TRFનો ઉલ્લેખ દૂર કર્યો હતો. પાકિસ્તાનને આ પ્રસ્તાવ મંજૂર ન હતો. અમે ફેરફાર કર્યા વિના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચોઃ પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન
પ્રસ્તાવમાં કરાવ્યો ફેરફાર
ઈશાક ડારે કહ્યું કે, અમે યુએનમાં અમારા સ્થાયી પ્રતિનિધિને કહ્યું હતું કે, તમે આ પ્રસ્તાવનો વિરોધ કરી પહલગામની સાથે જમ્મુ-કાશ્મીરનું નામ લખાવો, તેમજ ટીઆરએફનું નામ દૂર કરો. ત્યારબાદ અનેક દેશોમાંથી ફોન પણ આવ્યા હતા કે, તમે પ્રસ્તાવમાં કેમ ફેરફાર કરાવવા માગો છો, પરંતુ પાકિસ્તાન અડગ રહ્યું અને પ્રસ્તાવ બદલાવ્યો.
TRF વિરુદ્ધ કોઈ પુરાવા નહીં
ઈશાક ડારે કહ્યું કે, જો ટીઆરએફ પોતે હુમલામાં સામેલ છે, તો તેની વિરુદ્ધ શું પુરાવા છે. પુરાવા વિના તેનું નામ પ્રસ્તાવમાં ઉમેરવું યોગ્ય નથી. ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી નથી. ઉલ્લેખનીય છે, ટીઆરએફે હુમલા બાદ તુરંત જ તેની જવાબદારી લીધી હતી. પરંતુ ત્રણ-ચાર દિવસ બાદ પોતાનું નિવેદન ફેરવી કોઈ લેવા-દેવા ન હોવાનો દાવો કર્યો હતો.