પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન
India Pakistan Tension: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના આકરા વલણથી પાકિસ્તાન ભયભીત બન્યું છે. પાકિસ્તાને આગામી 24થી 36 કલાકમાં ભારત દ્વારા હુમલો થવાની આગાહી કરી સીઝફાયર શરુ કર્યા છે. છેલ્લા પાંચ દિવસથી પાકિસ્તાન એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગઈકાલે તેણે પાકિસ્તાનના ચેકપોઇન્ટ્સ પરથી ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતે પાકિસ્તાનને તેનો મજબૂત જવાબ આપ્યો હતો.
ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરુ કર્યો હતો. છેલ્લા છ દિવસથી પાકિસ્તાનની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. સુરક્ષાદળો સરહદ પર ચુસ્ત બંદોબસ્ત સાથે ચાંપતી નજર રાખી રહ્યા છે.
સુરક્ષા દળના સૂત્રોએ આપી માહિતી
સુરક્ષા દળના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે સવાર સુધી પાકિસ્તાનની સેનાએ એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. બાદમાં ગઈકાલે મોડી રાત્રે જમ્મુના પરાગવાલ સેક્ટરમાં આવેલી આતંરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર શરુ કર્યો હતો. નાના હથિયારોથી પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. 29-30 એપ્રિલની રાત્રે પણ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે ગોળીબાર કર્યો હતો. તે પાકિસ્તાની ચેકપોઇન્ટ્સ પરથી ગોળીબાર માટે ડિફેન્સ અને આર્ટિલરી ગનના બદલે નાના હથિયારોનો ઉપયોગ કરી રહી છે. બારામુલા અને કુપવાડા જિલ્લામાં પણ એલઓસી પર તે નાના હથિયારોની મદદથી ગોળીબાર કરી રહી હોવાની બાતમી મળી છે. ભારતીય સેનાના જવાનોએ તેના સીઝફાયર ઉલ્લંઘનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચોઃ '24 થી 36 કલાકમાં ભારત હુમલો કરશે...' મોડી રાતે પાકિસ્તાની મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી
બીએસએફની તૈનાતી વધી
પાકિસ્તાન પરાગવાલ સેક્ટરમાં સક્રિય બનતાં આ વિસ્તારમાં બીએસએફની હાજરી વધારવામાં આવી છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બીએસએફ તૈનાત છે. આઇબીનો કુલ 209.8 કિમી હિસ્સો અખનૂરથી માંડી લખનપુર સુધી ફેલાયેલો છે. આખા કાશ્મીરમાં LOCની લંબાઈ 343.9 કિમી છે, જ્યારે જમ્મુમાં 224.5 કિમી LOC સરહદ આવેલી છે.
સીઝફાયરના પુરાવા
ભારતીય સેના પાસે આશરે 20 પાકિસ્તાની પોસ્ટના વીડિયો અને તસવીરો છે. જ્યાંથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સેનાએ આ માહિતી ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO) સાથે શેર કરી છે. 15 કોર્પ્સ અને 16 કોર્પ્સના ટોચના અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો DGMOને આપી રહ્યા છે. સરહદ પાર તણાવની સાથે સાથે કાશ્મીર ખીણના આંતરિક વિસ્તારોમાં પણ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન્સ ચાલુ છે. અનંતનાગમાં સેના, પેરા યુનિટ અને જમ્મુ-કાશ્મીર પોલીસની SOGની ટીમ પહાડો પર સર્ચ ઓપરેશન્સ કરી રહી છે.
પુલવામા, શોપિયા, ત્રાલ અને અનંતનાગના ઉપરના વિસ્તારોમાં RRની ટીમ આતંકવાદીઓનો પીછો કરી રહી છે. આ વિસ્તારોમાં લશ્કર-એ-તૈયબા અને ફિદાયીનના આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. જેકેપી અને સીઆરપીએફને તમામ ઘરોની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે.