Get The App

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો 1 - image

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 22 એપ્રિલના રોજ બાયસરન ઘાટીમાં થયેલા આ હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. 

આતંકીઓએ ‘બાયસરન’ને કેમ ટાર્ગેટ કર્યું?

એનઆઈએએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આતંકવાદીઓએ જાણીજોઈને બાયસરનને ટાર્ગેટ કર્યું હતું, કારણ કે આ વિસ્તારમાં પ્રવાસીઓની ભારે ભીડ રહે છે અને તે સરહદી વિસ્તારોથી દૂર છે, જેના કારણે સુરક્ષા દળોને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગે છે. હુમલાખોરોએ ખાસ કરીને તે લોકોને નિશાન બનાવ્યા હતા જેઓ ત્યાં ખાણી-પીણી, ઘોડેસવારી અને પિકનિકની મજા માણી રહ્યા હતા.

હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ

એનઆઈએની તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનથી આવેલા ત્રણ આતંકીઓ સીધા સામેલ હતા અને તેઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. આતંકીઓને સ્થાનિક મદદ પણ મળી રહી હતી.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

NIAએ બે સ્થાનિકની ધરપકડ કરી હતી

એનઆઈએએ જૂન મહિનામાં બે સ્થાનિક મદદગારો - પરવેઝ અહેમદ જોથાર અને બશીર અહેમદ જોથારની ધરપકડ કરી હતી. આ બંનેએ આતંકીઓને રહેઠાણ, ખોરાક અને અન્ય સામગ્રી પૂરી પાડી હતી. તેમની પૂછપરછમાં એ વાત બહાર આવી કે, આ સમગ્ર હુમલો પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનો દ્વારા રચવામાં આવેલા ષડયંત્રનો ભાગ હતો.

ભારતીય સેનાના બે ઓપરેશનોનો સફળ પ્રહાર

આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ બે મોટા ઓપરેશનો પાર પાડ્યા. 7 મેએ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' ચલાવીને પાકિસ્તાનની સરહદમાં આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા. આ હુમલામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથકો અને ટ્રેનિંગ સેન્ટરોને નિશાન બનાવીને નવ ઠેકાણાઓને તોડી નખાયા હતા. ત્યારબાદ 28 જુલાઈએ સુરક્ષા દળોએ 'ઓપરેશન મહાદેવ' શરૂ કરીને શ્રીનગરના દાચીગામ-હરવનના જંગલોમાં છુપાયેલા ત્રણેય પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ આતંકી નેટવર્કનો સંપૂર્ણ નાશ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ