'એવા કોઈ પુરાવા નથી કે આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા...' પહલગામ હુમલા અંગે ચિદમ્બરમ
P. Chidambaram on Pahalgam Terrorist Attack: આજે લોકસભામાં પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરને લઈને ચર્ચા થશે. તેમજ મંગળવારે આ અંગે રાજ્યસભામાં ચર્ચા થશે. ઉપલા ગૃહમાં આ માટે નવ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. એવામાં પહલગામ હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે સરકારી નીતિ સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આતંકવાદીઓની ધરપકડ અને ઓળખને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચિદમ્બરમે સરકારને પૂછ્યું હતું કે 'એવું કેવી રીતે માની લેવામાં આવ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનથી જ આવ્યા છે?'
પહલગામ હુમલા અંગે ચિદમ્બરમનો દાવો
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ચિદમ્બરમે પહલગામ હુમલા વિશે વાત કરતાં કહ્યું હતું કે, 'સરકાર એ કહેવા તૈયાર નથી કે NIA એ છેલ્લા કેટલાક અઠવાડિયામાં શું કર્યું છે. શું તેમણે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા છે? તેઓ ક્યાંથી આવ્યા? એવું પણ બની શકે કે તે દેશમાં જ તાલીમ પામેલા હોમ ગ્રોન આતંકવાદીઓ હોય. તમે કેમ માની લીધું કે તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? આનો કોઈ પુરાવો નથી. સરકાર ભારતને થયેલા નુકસાનને પણ છુપાવી રહી છે.'
ભૂતપૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, 'સરકારે દેશને વિશ્વાસમાં લીધો નથી. વડાપ્રધાને કહ્યું કે ઓપરેશન ફક્ત બંધ કરવામાં આવ્યું છે, સમાપ્ત થયું નથી. જો આવું છે, તો પછી સરકારે શું પગલાં લીધાં છે? શું મોદી સરકારે પહલગામ જેવા બીજા હુમલાને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધા છે?'
ચિદમ્બરમે સરકારને પૂછ્યું કે, 'હુમલો કરનારા આતંકવાદીઓ ક્યાં છે? તમે તેમને કેમ પકડ્યા નથી, તમે અત્યાર સુધી તેમની ઓળખ કેમ નથી કરી? હુમલાખોરોને આશ્રય આપનારા કેટલાક લોકોની ધરપકડના અહેવાલો હતા. તેમનું શું થયું? આવા ઘણા પ્રશ્નો છે, પરંતુ સરકાર તેમને કેમ ટાળી રહી છે? વડાપ્રધાન મોદી આ વિશે કેમ બોલતા નથી?'
આ પણ વાંચો: VIDEO : યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
ચિદમ્બરમના આ નિવેદન પર ભાજપ ભડકી
ભાજપે કોંગ્રેસ નેતાની ટિપ્પણીઓ પર નિશાન સાધ્યું છે. પાર્ટીના આઇટી વડા અમિત માલવિયાએ કહ્યું, 'ફરી એકવાર કોંગ્રેસે પાકિસ્તાનને ઝડપથી ક્લીનચીટ આપી દીધી છે. આ વખતે પહલગામ આતંકવાદી હુમલા પછી આ થયું. એવું કેમ છે કે દર વખતે જ્યારે આપણી સેના પાકિસ્તાન દ્વારા ફેલાવતા આતંકવાદને પડકાર આપે છે, ત્યારે કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાને બદલે ઇસ્લામાબાદનો વકીલ બનીને વાત કરવાનું શરુ કરી દે છે!'
આજે લોકસભામાં ચર્ચા
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા આજે લોકસભામાં ચર્ચા થશે. જયારે મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે. ઉપલા ગૃહમાં આ માટે નવ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતના સંદેશને વિશ્વ સુધી પહોંચાડનારા બહુપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ રહેલા સાંસદો પણ સંસદના બંને ગૃહોમાં યોજાનારી આ ચર્ચામાં ભાગ લે તેવી શક્યતા છે.