VIDEO : યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ
Lakhimpur Kheri Sawan Stampede: ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શિવધામ ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાતમાં પહેલો સોમવાર) નાસભાગ મચતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા જ્યાં અશોક ચાર રસ્તા પર અચાનક નાસભાગ મચી હતી. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
વહીવટીતંત્ર દ્વારા સુરક્ષામાં ખામી
છોટા કાશી તરીકે ઓળખાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગની દુર્ઘટનાથી વહીવટીતંત્રની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, ભીડને નિયંત્રણમાં લેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂકાયો છે. જેથી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.
રાતથી જ ભીડ ઉમટી પડી હતી
મંદિરમાં રવિવારે સાંજથી જ કાંવડિયાધારીના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. અડધી રાત બાદ ભક્તોની ભીડ પણ વધી રહી હતી. પૌરાણિક શિવ મંદિરમાં જળઅભિષેક અને દર્શન માટે લાંબી કતાર લાગી હતી. ભીડ વધતાં અને સુરક્ષાની અપૂરતી વ્યવસ્થાના કારણે નાસભાગ થઈ હતી. જેમાં સુરભી (ઉ.વ. 27), સોનુ વર્મા (ઉ.વ. 23), અમરનાથ (ઉ.વ. 26), રામકુમાર (ઉ.વ. 26) ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા મંદિરના ગર્ભગૃહનું મુખ્ય અને નિકાસ દ્વાર બંધ કરવામાં આવ્યું હતું.
રાત્રે એક વાગ્યે ખુલ્યા હતા મંદિરના કપાટ
શ્રદ્ધાળુઓની વધુ પડતી ભીડને ધ્યાનમાં લેતાં મંદિરના કપાટ રાત્રે એક વાગ્યે જ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શિવમંદિરથી આશરે 500 મીટરના અંતરે આવેલા અશોક ચારરસ્તા પર વધુ પડતી ભીડ થતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પોલીસ કર્મીઓએ પરિસ્થિતિ સંભાળતાં મોટી દુર્ઘટના બનતાં ટળી હતી.