20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ

Cough Syrup News : મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરતાં શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની ધરપકડ કરી લીધી છે.
રંગનાથનની પૂછપરછ શરૂ
આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી 20 બાળકોના મૃત્યુની ભયાનક ઘટના બાદ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથનની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
મધ્યપ્રદેશ પોલીસે ઈનામ જાહેર કર્યું હતું
અગાઉ મધ્યપ્રદેશ પોલીસે આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીના ફરાર માલિકો પર ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે આરોપીઓને પકડવામાં મદદ કરનાર કોઈપણ વ્યક્તિને ₹20,000 નું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. વધુમાં, કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિશ્ચિત કરવા માટે એક ખાસ SIT ટીમની રચના કરવામાં આવી હતી, જેના પરિણામે રંગનાથનની ધરપકડ કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશ સરકારનો મોટો આરોપ
મધ્યપ્રદેશના આરોગ્ય રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 20 બાળકો ઝેરી કફ સિરપ પીવાથી મૃત્યુ પામ્યા છે અને આ ગંભીર બેદરકારી માટે તમિલનાડુ સરકાર જવાબદાર છે. પટેલે કહ્યું, "રાજ્યમાંથી નિકાસ થતી દવાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી તમિલનાડુ સરકારની હતી. મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં આવતી દવાઓનું રેન્ડમ નિરીક્ષણ પણ કરે છે, પરંતુ સંયોગથી આ સીરપનો તે નમૂનામાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો."


