બિહારમાં NDAને રોકવા ઓવૈસીની મહાગઠબંધનને મોટી ઓફર, રાજકારણમાં બની ચર્ચાનો વિષય
Bihar Election News: ચાલુ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય હિલચાલ વધી ગઇ છે. તાજેતરમાં, મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી આરજેડીએ લાલુ પ્રસાદ યાદવને 13મી વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે અને પાર્ટીએ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે. દરમિયાન, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે મહાગઠબંધનને એક મોટી ઓફર કરી દીધી. તેમણે જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ બિહારમાં વિપક્ષી મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો છે કારણ કે પાર્ટીનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં NDAને સત્તામાં વાપસી કરતા અટકાવવાનો છે.
મહાગઠબંધનના નેતાઓ નિર્ણય કરે: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે AIMIMના બિહાર રાજ્ય પ્રમુખ અખ્તરુલ ઈમાને મહાગઠબંધનના નેતાઓનો સંપર્ક કર્યો છે. જેમાં કોંગ્રેસ, RJD અને અન્યનો સમાવેશ થાય છે. આ તમામ પક્ષોને અમારી તરફથી જણાવાયું છે કે અમે ભાજપ અને તેના એનડીએના સાથી પક્ષો સામે એકસાથે મળીને ચૂંટણી લડવામાં રસ ધરાવીએ છીએ. ઓવૈસીએ કહ્યું, 'અમારા પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઈમાને મહાગઠબંધનના કેટલાક નેતાઓ સાથે વાત કરી છે અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે નથી ઇચ્છતા કે ભાજપ કે NDA બિહારમાં ફરીથી સત્તામાં આવે. હવે આ નિર્ણય એ રાજકીય પક્ષો પર નિર્ભર છે જે બિહારમાં NDA ને સત્તામાં પાછા ફરતા રોકવા માંગે છે.'
આ પણ વાંચોઃ Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર!
હવે સીમાંચલ બહાર પણ લડીશું
બિહારના સીમાંચલ ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ ધરાવતા AIMIM ને 2022 માં મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમના પાંચમાંથી ચાર ધારાસભ્યો તેજસ્વી યાદવની RJD માં જોડાઈ ગયા હતા. ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી ફક્ત સીમાંચલમાં જ નહીં પરંતુ તેની બહાર પણ ઉમેદવારો ઉભા રાખશે. તેમણે કહ્યું, 'જો તેઓ (મહાગઠબંધન) તૈયાર ન હોય, તો હું દરેક જગ્યાએ ચૂંટણી લડવા માટે અમે તૈયાર છીએ. આવનારા સમયની રાહ જુઓ. બેઠકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવી હજુ વહેલું ગણાશે.'