ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા
Uttarakhand Haldwani School Bus Accident: ઉત્તરાખંડના હલ્દ્વાનીના જયપુર બીસા ગામમાં આજે ગુરૂવારે ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક ખાનગી સ્કૂલની બસ બેકાબૂ બનતાં નાળામાં ખાબકી હતી. જેમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા. 12થી વધુ બાળકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજા થઈ છે.
સ્થાનિક લોકોએ અકસ્માત બનતાં તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. બસનો કાચ તોડી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હલ્દ્વાનીમાં બરેલી રોડ પર સ્થિત જયપુર બીસા ગામમાં બની હતી. આ બસ રામપુર રોડથી બાળકોને શાળાએ લઈ જઈ રહી હતી. ત્યાં બે બસ ચાર રસ્તા નજીક સાઈડ લઈ રહી હતી, તે દરમિયાન બસ રોડ પરથી ઉતરી જતાં નાળામાં ખાબકી હતી. સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસને પણ અકસ્માતની જાણ કરી હતી.
આ પણ વાંચોઃ રાહુલની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસે શેર કરી તસવીર
બસ ડ્રાઈવરની બેદરકારી જવાબદારઃ ગામના સરપંચ
ગામના સરપંચ રમેશ ચંદ્ર જોષીએ આ અકસ્માત માટે બસ ડ્રાઈવરની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, બસમાં આશરે 40 બાળકો સવાર હતા, જેમાંથી 12થી વધુ ઘાયલ થયા છે. આ ક્ષેત્રમાં બસ ડ્રાઈવર અવારનવાર નશાની હાલતમાં ગાડી ચલાવે છે. અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના બની ચૂકી છે. પરંતુ શાળાના વહીવટીતંત્રે કોઈ ઠોસ પગલાં લીધા નથી. અકસ્માત થયો તે સ્થળે નાળું હતું. પરંતુ સદનસીબે નાળામાં પાણી ન હોવાથી બાળકોના જીવ બચી ગયા.
જિલ્લા વહીવટીતંત્ર પર નિશાન સાધ્યું
ગામના સરપંચે વધુમાં જિલ્લા વહીવટીતંત્ર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આટલી મોટી દુર્ઘટના બાદ પણ જિલ્લા વહીવટીતંત્ર સમયસર ઘટનાસ્થળે પહોંચ્યુ ન હતું. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ અકસ્માતના કારણે સ્થાનિકો અને વાલીઓએ શાળામાં સુરક્ષાના માપદંડોનો કડકપણે અમલ કરાવવાની માગ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.