Get The App

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે 1 - image

Gujarat's Aravalli Mountains Controversy : દિલ્હી-એનસીઆર પ્રદેશ વધુ ને વધુ ગંભીર બનતા વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) સાથે સંઘર્ષ કરી રહ્યો છે, એવામાં ઉત્તર ભારતના પર્યાવરણીય સંતુલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી અરવલ્લી પર્વતમાળા ચર્ચાનું કેન્દ્રબિંદુ બની છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નવેમ્બર 2025માં એવો નિર્ણય કરાયો કે, ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ 'અરવલ્લી પર્વતમાળા'નો હિસ્સો ગણાશે. આ ચુકાદાને પર્યાવરણવિદોએ ચિંતાજનક ગણાવતા કહ્યું કે, હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ પર ખાણકામ અને બાંધકામનો ખતરો સર્જાશે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સરકાર વતી કેટલીક દલીલો કરી. 

ત્યારે જાણીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અરવલ્લી પર્વતમાળા પર થનારી સંભવિત અસરો અને સરકારી દલીલોની હકીકત...  

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે 2 - image

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સર્જાઈ વિરોધની લહેર 

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક અરવલ્લી પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા સુધી ફેલાયેલી છે. સદીઓથી તે થાર રણના વિસ્તરણને અટકાવતી, જળસંચયમાં મદદ કરતી, જૈવવૈવિધ્યને આશ્રય આપતી અને પ્રદૂષણ ઓછું કરતી કુદરતી ઢાલ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હેતુ 1985થી ચાલી રહેલા જાહેર હિતના દાવામાં ચારેય રાજ્યોમાં અરવલ્લી માટે એકસમાન વ્યાખ્યા લાગુ કરીને ગેરકાયદે ખાણકામ અને જમીન ઉપયોગ પર અંકુશ લાવવાનો હતો. જો કે, આ નિર્ણયથી પર્યાવરણવિદો અને કુદરતને પ્રેમ કરતા લોકોમાં ભારે બેચેની છે. AravalliBachao હેશટૅગ હેઠળ સોશિયલ મીડિયા પર વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, જેમાં આરોપ છે કે આ વ્યાખ્યા અરવલ્લીના મોટા ભાગને સંરક્ષણ કાયદાના દાયરામાંથી બહાર કાઢી નાંખશે અને ખાણકામ-બાંધકામના ગાંડા વિકાસને વેગ આપશે.

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે 3 - image

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની મુખ્ય દલીલો 

આ ચુકાદાને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણના સંરક્ષણની દિશામાં એક મજબૂત પગલું ગણાવ્યું છે. અફવાઓ અને ભ્રામક માહિતીને ફગાવીને તેમણે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.

વ્યાપક સંરક્ષણ: નવી વ્યાખ્યા અંતર્ગત અરવલ્લીના કુલ 1.47 લાખ ચો.કિ.મી. વિસ્તારમાંથી 90% થી વધુ વિસ્તાર 'સંરક્ષિત ક્ષેત્ર'માં આવરી લેવાશે. માત્ર 217 ચો.કિ.મી. (0.19%) જમીન જ ખાણકામને પાત્ર રહેશે.

સમગ્ર પર્વતમાળાનો સમાવેશ: વ્યાખ્યા ફક્ત ટેકરીની ટોચ જ નહીં, પરંતુ સમગ્ર પર્વતમાળા, ઢોળાવો અને પાયાનો સમાવેશ કરે છે. ટેકરીની ઊંચાઈનું માપન જમીનના સ્તરથી નીચેના આધારથી થશે, ન કે સમુદ્ર સપાટીથી. વધુમાં, ટેકરીનું માપ સીધું (વર્ટિકલ) નહીં, પણ ઢોળાવને અનુલક્ષીને જ કઢાશે. 

ટકાઉ ખાણકામ: કોઈપણ ખાણકામની મંજૂરી ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન’ (ICFRE) દ્વારા બનાવેલા ટકાઉ ખાણકામ યોજના (MPSM) હેઠળ અને સુપ્રીમ કોર્ટની કડક દેખરેખ હેઠળ જ મળશે.

દિલ્હીમાં પ્રતિબંધ: દિલ્હીમાં કોઈ નવું ખાણકામ શરૂ થશે નહીં.

ગ્રીન વૉલ પ્રોજેક્ટ: 'ગ્રીન અરવલ્લી વૉલ' પ્રોજેક્ટ હેઠળ 700 કિ.મી. વિસ્તારમાં વનીકરણ, સ્થાનિક છોડની નર્સરીઓ અને સમગ્ર ઈકોસિસ્ટમ (ઘાસ, ઝાડીઓ, ઔષધીય છોડ)ના સંરક્ષણનું કામ ચાલુ છે.

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે 4 - image

ઊંચાઈનો સરકારી દાવો કેટલો મજબૂત છે? 

સરકારનો દાવો છે કે, ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચી ટેકરીઓને જ પર્વતમાળાનો હિસ્સો ગણવાનો નિયમ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોની સમિતિએ બનાવ્યો છે, કેન્દ્ર સરકારે નહીં. સરકાર તો ચારેય રાજ્યો (રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, દિલ્હી)માં આ નિયમને એકસરખી રીતે લાગુ કરવા માટે પ્રયત્નશીલ છે. સરકારની એ વાત સાચી કે, આ નિયમ ભૂસ્તરશાસ્ત્રના વૈશ્વિક ધારાધોરણોને મળતો આવે છે; ટેકરીની વ્યાખ્યા સમુદ્ર સપાટીથી નહીં, સ્થાનિક જમીનની સપાટીથી જ કરવાની હોય છે. અત્યાર સુધી અરવલ્લીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નહોતી, જેને લીધે ગેરકાયદે ખાણકામ થતું હતું. હવે સ્પષ્ટતા મળતા ખાણકામ બંધ થશે.

તો વિરોધીઓને સરકારી દાવા કેમ ખોખલા લાગે છે? 

અરવલ્લીનો બહુ મોટો ભાગ ફક્ત 50થી 80 મીટર જ ઊંચો છે. તેથી જો 100 મીટરનો નિયમ લાગુ કરાય તો ‘ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ રાજસ્થાનમાં અરવલ્લીના માત્ર 8.7% વિસ્તારને જ રક્ષણ મળે. બાકીનો વિસ્તાર 100 મીટર કરતાં નીચો ગણીને તેમાં બેફામ બાંધકામ અને ખાણકામ થવા લાગે. વૃક્ષોનું છેદન થતાં થારના રણનો ફેલાવો પણ વધે. નીચા વિસ્તારોમાં જીવતાં પશુપક્ષીઓ અને વનસ્પતિનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. 

Explainer: અરવલ્લી પર્વતમાળા પર સંકટની હકીકત, સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધનું કારણ શું છે 5 - image

વ્યાપક ઈકો સિસ્ટમને નજરઅંદાજ કરાઈ રહી છે 

પર્યાવરણવિદોનું કહેવું છે કે, ફક્ત ટેકરીઓની ઊંચાઈને આધારે જ વનસંરક્ષણ નિયમો બનાવવો એ અન્યાયી છે. નીચલા ભૂભાગ પર પણ વિશાળ ઈકો સિસ્ટમ હોય છે, જેમાં પુષ્કળ જૈવવિવિધતા અને જળચક્ર જોવા મળે છે. ફક્ત ટેકરીઓને લક્ષ્યમાં રાખીને નીચલા ભૂભાગને સદંતર નજરઅંદાજ ન કરવું જોઈએ, વ્યાપક ઈકોસિસ્ટમને ધ્યાનમાં રાખવી જોઈએ. 

શું ભારતીય ન્યાય તંત્રને અરવલ્લીની ફિકર નથી? 

સુપ્રીમ કોર્ટ અરવલ્લીના સંરક્ષણ માટે હંમેશથી કડક રહી છે. 2018માં સુપ્રીમ કોર્ટે 31 ટેકરી પર ખાણકામ બંધ કરાવ્યું હતું અને 2021માં ફરીદાબાદમાં હજારો ગેરકાયદે મકાનો તોડી પડાવ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે, કોર્ટને અરવલ્લીની ચિંતા છે. આ વખતે પણ કોર્ટે ખાણકામ પર પ્રતિબંધ મૂકતાં કહ્યું છે કે, નવું ખાણકામ તરત શરૂ કરી શકાશે નહીં. પહેલા વૈજ્ઞાનિક સંસ્થા ICFRE એ એક ‘ટકાઉ ખાણકામ યોજના’ બનાવવી પડશે અને તે કોર્ટ પાસેથી મંજૂર કરાવવી પડશે. ત્યાં સુધી બધું અટકી રહેશે.

કાગળ પર સારા લાગતા નિયમોના વ્યવહારમાં દુરુપયોગની ચિંતા  

અરવલ્લ્લી બચાવવાના પક્ષકારોને મોટો ડર એ છે કે રાજ્ય સરકારો આ નિયમનો દુરુપયોગ કરી શકે છે. 100 મીટરથી ઓછી ઊંચાઈનો 90% વિસ્તાર ‘ટેકરી-નહીં’ જાહેર થશે, તો વન-સંરક્ષણના કાયદા લાગુ નહીં પડે, જેને લીધે એમાં બાંધકામ અને ખાણકામ પ્રવૃત્તિ શરૂ થઈ જશે.

 હરિયાણામાં નિયમોનું ઉલ્લંઘન થયું જ છે

હરિયાણામાં 2019નો સુધારો એ અરવલ્લીના સંરક્ષણમાં એક ‘લૂપહોલ’ છે. હરિયાણા સરકારે 2019માં ‘પંજાબ લેન્ડ પ્રિઝર્વેશન ઍક્ટ’ (PLPA) નામના જમીન-સંરક્ષણના કાયદામાં એક સુધારો કર્યો હતો. અગાઉ નિયમ હતો કે ‘ઢોર ચારવાની જમીન' પર કોઈ બાંધકામ (ઘર, ફેક્ટરી, રિસોર્ટ) નહીં થઈ શકે. અરવલ્લીનો મોટો ભાગ આવો જ વિસ્તાર છે. હરિયાણા સરકારે એમાં સુધારો કરીને એવી જમીન પર ‘કેટલીક શરતોને આધીન’ બાંધકામ કરવાની મંજૂરી આપતો રસ્તો ખુલ્લો કરી દીધો હતો, જેથી ત્યાં  સિંચાઈ પ્રોજેક્ટ, ગ્રામીણ વિકાસનાં કામ, શૈક્ષણિક સંસ્થાઓ અથવા ‘જરૂરિયાતના આધારે’ અન્ય બાંધકામ કરી શકાય. આ બાબતે પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. 

આનો અર્થ એ છે કે, રાજ્ય સરકારો પોતાના હિત માટે નિયમો બદલી શકે છે. હાલ કેન્દ્ર સરકાર કહે છે કે અરવલ્લીની ફક્ત 0.19% જમીન જ ખાણકામ માટે ફાળવાશે, પણ રાજ્ય સરકારો નિયમનો દુરુપયોગ કરીને વધુ જમીન પર ખાણકામ/બાંધકામ કરી શકે એમ છે. 

ઈકોલોજી મજબૂત થશે કે નબળી? 

કેન્દ્રનો દાવો છે કે આ નિર્ણય ઈકોલોજીને મજબૂત કરશે. અરવલ્લીમાં વનીકરણ માટેનો 'ગ્રીન વૉલ' પ્રોજેક્ટ અમલમાં મુકાતા અને ગેરકાયદે ખાણકામ પર અંકુશ આવતાં પર્યાવરણીય સંતુલન સર્જાશે. 

જો કે, પર્યાવરણવાદીઓને ડર છે કે, નવી વ્યાખ્યા અરવલ્લીના 90% વિસ્તારમાં ખાણકામ/બાંધકામની છૂટ આપશે, જેને લીધે આદિવાસીઓ પ્રભાવિત થશે, વન્યજીવોના રહેઠાણો નાશ પામશે, માણસો અને પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ વધશે તથા દિલ્હી-એનસીઆરમાં ધૂળ-પ્રદૂષણ, પાણીની અછત અને હવામાનની સમસ્યા વધુ ગંભીર બનશે. 

ઐતિહાસિક રેકોર્ડ શું કહે છે? 

અરવલ્લીનો ઐતિહાસિક રેકોર્ડ ચિંતાજનક છે. 2018ના એક અહેવાલ મુજબ, ગેરકાયદે ખાણકામને કારણે અરવલ્લીની 31 ટેકરી 'ગાયબ' થઈ ગઈ હતી. નવા નિયમો લાગુ કરાયા પછી આ દૂષણ આખી અરવલ્લીને ભરખી જાય એવું બની શકે. જો રાજ્ય સરકારો રિયલ એસ્ટેટ અને ખનીજ લૉબીના દબાણ હેઠળ આવી જાય તો નિયમોનો દુરુપયોગ થવાનું જોખમ છે. 

નિષ્ણાતો અને વિરોધીઓની દલીલો 

અરવલ્લી સંબંધિત તાજેતરના અદાલતી નિર્ણયના વિરોધમાં નિષ્ણાતોનો સૂર 

અશોક ગેહલોતઃ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ‘અરવલ્લીનું મૂલ્યાંકન ફક્ત ઊંચાઈથી નહીં, પરંતુ તેના પર્યાવરણીય મહત્ત્વથી થવું જોઈએ. અરવલ્લી હોવા છતાં ઉત્તર ભારતમાં પ્રદૂષણની આટલી સમસ્યા છે, તો એ નહીં હોય ત્યારે તો સ્થિતિ કેટલી ભયાનક બની જશે!’ 

રાજેન્દ્ર સિંહ: જળ સંચયની પારંપરિક 'જોહડ' પદ્ધતિ દ્વારા રાજસ્થાનમાં જળક્રાંતિ કરનારા અને એ કામ માટે પ્રતિષ્ઠિત 'રેમન મેગસેસે પુરસ્કાર' (2001) જીતનારા ‘વોટરમેન ઓફ ઈન્ડિયા’એ જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય અમલમાં આવ્યો તો અરવલ્લીનો માત્ર 7-8% ભાગ જ બચી શકશે.’

હરજીત સિંહ: ‘સતત સંપદા ક્લાઇમેટ ફાઉન્ડેશન’ના સ્થાપકે અરવલ્લીની નવી વ્યાખ્યાને ‘ઉત્તર ભારત જેના થકી શ્વાસ લે છે અને જેના થકી ત્યાંના કૂવા ભરાય છે એ પર્વતમાળાને નાબૂદ કરી નાખવાનું પગલું’ ગણાવ્યું છે.

અરવલ્લી પર્વતમાળા પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેવી રીતે છે 

અરવલ્લીને ઉત્તર ભારતનું ‘લીલું ફેફસું’ કહેવાય છે કારણ કે, તેના વિના આ પ્રદેશનું અસ્તિત્વ જોખમમાં આવી પડે એમ છે. હિમાલય કરતાં પણ જૂની આ પર્વતમાળાની મુખ્ય ભૂમિકા નીચે મુજબ છે.

1.  રણના વિસ્તરણને રોકે છે: તે થાર રણની રેતી અને ધૂળને કુદરતી દીવાલ બનીને રોકે છે. જો અરવલ્લી ન હોય, તો રણ દિલ્હી-એનસીઆર અને ગંગાના મેદાનો તરફ ફેલાઈ જાય.

2.  પાણીનો કિલ્લો છે: તે ભૂગર્ભજળ ભરવાનું (રિચાર્જ) કામ કરે છે. તેની ટેકરીઓ વરસાદનું પાણી શોષીને ધીમે ધીમે જમીનમાં પૂરે છે, જેથી કૂવાઓ, બોરવેલ અને નદીઓમાં પાણી ભરાય છે.

3.  પ્રદૂષણ ઓછું કરે છે: વિશાળ વનસ્પતિ હવામાંથી ધૂળ અને ઝેરી પદાર્થો ફિલ્ટર કરીને હવા શુદ્ધ કરે છે, જે દિલ્હી-એનસીઆર જેવા પ્રદૂષિત પ્રદેશો માટે જીવનદાયી છે.

4.  જીવ-જંતુઓનું ઘર છે: તેમાં બહુવિધ વનસ્પતિ, પ્રાણીઓ અને પક્ષીઓનું નિવાસસ્થાન છે, જે જૈવવૈવિધ્ય જાળવવા જરૂરી છે.

5.  હવામાન નિયંત્રક: તે પ્રદેશના તાપમાન અને વરસાદના ચક્રને સ્થિર રાખવામાં મદદ કરે છે.