દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ, અલ-ફલાહ યુનિવર્સિટીના 200 ડૉક્ટર-સ્ટાફ રડારમાં, લોકરોની તપાસ શરુ

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસની તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો અનુસાર, યુનિવર્સિટી સાથે સંકળાયેલા 200થી વધુ ડૉક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે તપાસ એજન્સીઓના રડાર પર છે. આ સમગ્ર ઘટનામાં એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ એજન્સીઓએ યુનિવર્સિટીના સ્ટાફના લોકરની તપાસ પણ શરુ કરી દીધી છે.
1,000થી વધુ લોકોની પૂછપરછ
અહેવાલો અનુસાર, તપાસ એજન્સીઓ અલ-ફલાહ યુનિવર્સિટીના 200થી વધુ કર્મચારીઓ અને શિક્ષકો પર નજર રાખી રહી છે. આ ઉપરાંત બહાર રહેતા વિદ્યાર્થીઓના હોસ્ટેલ અને રૂમની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
એજન્સીઓ એવા લોકોની ઓળખ કરી રહી છે જે દિલ્હી વિસ્ફોટ પછી યુનિવર્સિટી છોડીને ગયા હતા. ઘણાં લોકોએ પોતાના મોબાઇલ ફોનમાંથી ડેટા ડિલીટ કરી દીધો છે, જેની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હતો કે કેમ, કારણ કે આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને સંસ્થામાં ખાસ સુવિધાઓ આપવામાં આવી હતી.
નૂહમાં આત્મઘાતી બોમ્બરના સંબંધોની તપાસ
તપાસ એજન્સીએ નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ ભાડે આપનાર 35 વર્ષીય મહિલા(આંગણવાડી કાર્યકર)ની અટકાયત કરી છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ પછી આ મહિલા ફરાર હતી. આ ઘટના બાદ મહિલાના પરિવારની પણ તપાસ ચાલી રહી છે. ઉમર નૂહમાં રહેતો હતો ત્યારે ઘણાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો. નૂહમાં રહેતા અન્ય સાત લોકોની પણ ઉમર સાથેના તેમના સંબંધો હોવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
યુનિવર્સિટીની હૉસ્પિટલમાં દર્દીઓ ઘટ્યા
વિસ્ફોટની ઘટના બાદ અલ-ફલાહ હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ દૈનિક OPD વિભાગમાં લગભગ 200 દર્દીઓ આવતા હતા, પરંતુ હવે તેમાં 100થી ઓછા દર્દીઓ જોવા મળી રહ્યા છે.
યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસશીપ કરી રહેલા બે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, આતંકી ઉમર 2023માં લગભગ છ મહિના સુધી હૉસ્પિટલ અને યુનિવર્સિટીમાંથી કોઈપણ રજા કે સૂચના વિના ગેરહાજર રહ્યો હતો, પરંતુ પરત ફર્યાં પછી પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનું કાવતરું
ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાની તૈયારી 10 સભ્યોના એક ગ્રૂપ, જેને 'ટેરર ડૉક્ટર સેલ' કહેવામાં આવે છે, તેના દ્વારા કરવામાં આવી હતી. આ સેલનું સંચાલન કરનાર જમ્મુ-કાશ્મીરના શોપિયાંનો મૌલવી ઇરફાન અહેમદ હતો, જે સીધો જૈશ સાથે સંબંધ ધરાવતો હતો. ઇરફાને અલ-ફલાહ મેડિકલ કૉલેજના ઘણાં ડૉક્ટરને પોતાની સાથે જોડ્યા હતા, આતંકી ઉમર પણ એ જ કૉલેજનો હતો. તપાસ અધિકારીઓ પુષ્ટિ કરે છે કે આ સેલના અન્ય તમામ સભ્યોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

