Get The App

લોકડાઉન સમયે સંપૂર્ણ વેતન ચુકવવાનો આદેશ વેપારીઓને દેવાળિયા બનાવશે: અમરિંદર સિંહ

- પંજાબના મુખ્યમંત્રીએ શ્રમ મંત્રાલયને પણ પત્ર લખીને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરી

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News


લોકડાઉન સમયે સંપૂર્ણ વેતન ચુકવવાનો આદેશ વેપારીઓને દેવાળિયા બનાવશે: અમરિંદર સિંહ 1 - imageચંડીગઢ, તા. 14 એપ્રિલ 2020, મંગળવાર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સંપૂર્ણ વેતન ચુકવવા માટે ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓને જે નિર્દેશ આપવામાં આવ્યો છે તે અંગે ફેરવિચારણા કરવા વિનંતી કરી છે. અમરિંદર સિંહના કહેવા પ્રમાણે કર્મચારીઓને લોકડાઉન સમયનું સંપૂર્ણ વેતન ચુકવવું ઉદ્યોગપતિઓને દેવાળિયા બનવા તરફ ધકેલશે.

પત્રના માધ્યમથી પંજાબના મુખ્યમંત્રીએ મુશ્કેલીના આ સમયમાં ઉદ્યોગો અને વેપારી સંસ્થાઓને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન પહોંચાડવાના બદલે કેન્દ્ર સરકાર કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા નવા રસ્તા શોધે તે માટે વિનંતી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખેલા આ પત્ર દ્વારા સિંહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેના અંગે ફેરવિચારણા કરવા વિનંતી કરી છે.

આદેશમાં તમામ નિયોજકને લોકડાઉન દરમિયાન પોતાના વેપાર-ધંધા  વગેરે બંધ રાખી કર્મચારીઓનો પગાર ન કાપવા કહેવાયું છે. પરંતુ અમરિંદર સિંહે તેમાં ફેરફાર કરવા સૂચન કર્યું છે કારણ કે, લોકડાઉન દરમિયાન મોટા ભાગના ઉદ્યોગોની આવક સદંતર બંધ થઈ જશે અને તેની ખરાબ નાણાંકીય અસરો તેમને દેવાળિયા બનવા તરફ ધકેલશે. પંજાબ સરકારે શ્રમ મંત્રાલયને પણ આ મામલે પત્ર લખ્યો છે અને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. 

Tags :