ચૂંટણી પંચના ઘેરાવ પહેલાં કોંગ્રેસની મહાબેઠક, ઑક્ટોબર-નવેમ્બરમાં રસ્તાથી લઈને સંસદ સુધી કરશે આંદોલન, તારીખો જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Election Commission Protest : ચૂંટણી પંચની નીતિઓ સામે વિપક્ષે મોરચો માંડ્યો છે, જેના ભાગરૂપે મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ 6 ઑક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે. આ આંદોલનને સફળ બનાવવા માટે દિલ્હી સ્થિત ઈન્દિરા ભવન ખાતે પાર્ટીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં દેશભરના પ્રદેશ પ્રમુખો, પ્રભારીઓ અને મોરચા સંગઠનોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઇ-લેવલ બેઠક બાદ કોંગ્રેસે એક પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) યોજી હતી, જેમાં માહિતી આપતાં જણાવાયું કે 'વોટ બચાવો-દેશ બચાવો' અભિયાન હેઠળ આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો યોજાશે.
વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણી પંચ સુધી શાંતિપૂર્ણ માર્ચ કરશે: જયરામ રમેશ
કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે પક્ષની આગામી રણનીતિ અંગે માહિતી આપતાં કહ્યું કે, ‘આજે તમામ પ્રદેશ પ્રમુખો અને પ્રભારીઓની બે કલાક સુધી બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે સવારે 11 વાગ્યે તમામ વિપક્ષી પક્ષોના સાંસદો સંસદ ભવનથી ચૂંટણી પંચ સુધી શાંતિપૂર્ણ માર્ચ કરશે. આ માટે સૌને સવારે 10:30 વાગ્યે મકર દ્વાર ખાતે એકઠા થવાનો સમય અપાયો છે… વોટ ચોરીના મુદ્દે અને મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની માંગ સાથે 8 ઑક્ટોબર સુધી તમામ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો જિલ્લા સ્તરે પદયાત્રાઓ, પ્રદર્શનો અને બેઠકો યોજશે. ત્યારબાદ 10 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર સુધી બ્લોક સ્તરે બેઠકો થશે. જ્યારે 25 ઑક્ટોબરથી 25 નવેમ્બર દરમિયાન રાજ્ય, જિલ્લા અને ગામેગામ ચોપાલ યોજીને 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીઓ યોજાશે. આ આખા મહિનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા 13.5 કરોડ મતદારો વિશે માહિતી મેળવવાનો રહેશે કે જેમના નામ મતદાર યાદીમાં નથી…’
'વોટ ચોરી' સામે આક્રમક રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવાશે: કે.સી. વેણુગોપાલ
દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક અંગે વિગતો આપતાં AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે, ‘આજે અમે પ્રભારી મહાસચિવો, પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસના મોરચા સંગઠનો સાથે બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે 'વોટ ચોરી' સામે આક્રમક રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડવા માટે તમામ નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે અને અમે 'વોટ બચાવો, દેશ બચાવો'નું સૂત્ર આપ્યું છે. આ ઉપરાંત, રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે આ આંદોલન કાલે કે પરમ દિવસે પૂરું થઈ જવાનું નથી, પરંતુ જ્યાં સુધી જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવામાં ન આવે અને વ્યવસ્થામાં સુધારો ન થાય ત્યાં સુધી આ એક સતત અને આક્રમક લડાઈ બની રહેશે.’
આંદોલનનો બીજો તબક્કો
પાર્ટી દ્વારા 8 ઑક્ટોબરે એક વિશાળ માર્ચ યોજવામાં આવશે. ત્યારબાદ આંદોલનનો બીજો તબક્કો 10 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર દરમિયાન ચાલશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકોને આ અભિયાન સાથે જોડવા માટે બ્લોક સ્તરે બાઈક રેલી, પદયાત્રા અને સાયકલ રેલીઓનું આયોજન કરવામાં આવશે.
આંદોલનનો ત્રીજો તબક્કો
આંદોલનનો ત્રીજો તબક્કો 25 ઑક્ટોબરથી 25 નવેમ્બર સુધી યોજાશે. આ અંતર્ગત કોંગ્રેસ ગામડાં સ્તરે પહોંચીને 'વોટ રક્ષક' નામે કાર્યક્રમો યોજશે અને ગ્રામીણ સ્તરે મતદારોને જાગૃત કરશે.
રામલીલા મેદાનમાં મહારેલી અને 'ચલો દિલ્હી' યાત્રા
1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ ઐતિહાસિક રેલીનું આયોજન થશે. ત્યારબાદ 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે 'ચલો દિલ્હી' અભિયાન અંતર્ગત દેશના જુદા-જુદા ભાગોમાંથી 6 મોટી યાત્રાઓ કાઢવામાં આવશે, જેનું નેતૃત્વ પાર્ટીના 6 વરિષ્ઠ નેતાઓ કરશે.
વિપક્ષી એકતા સાથે જન આંદોલન બનાવવાની વ્યૂહરચના
કોંગ્રેસ ઈન્ડિયા બ્લોકના તમામ ઘટક પક્ષોને સાથે રાખીને આ લડાઈને વ્યાપક જન આંદોલનનું સ્વરૂપ આપવા માગે છે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ તમામ નેતાઓને સક્રિય અને આક્રમક બનીને આ લડાઈ લડવા આહવાન કર્યું હતું. તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખો પોતપોતાના ક્ષેત્રમાં અન્ય વિપક્ષી પક્ષો સાથે મળીને સંયુક્ત કાર્યક્રમોનું સંચાલન કરશે.
CECના બિન-લોકતાંત્રિક વલણ સામે કેરળમાં પણ લડાઈ લડાશે: સન્ની જોસેફ
કેરળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સન્ની જોસેફે (Sunny Joseph) બેઠક બાદ જણાવ્યું કે, ‘આજની બેઠકમાં સંપૂર્ણ ધ્યાન ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર જ કેન્દ્રિત હતું, જેમાં ખાસ કરીને SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) દ્વારા કરવામાં આવેલી ભૂલો મુખ્ય મુદ્દો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરના અલોકતાંત્રિક વલણ સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ લડાઈને તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC) આગળ ધપાવશે અને કેરળમાં પણ આ અંગે વધુ વિરોધ પ્રદર્શનો થશે. આ માટે આખા મહિનાનો એક વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનું અમે AICCના નિર્દેશ મુજબ સંપૂર્ણ પાલન કરીશું.’




