Get The App

દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલ સામે વિપક્ષનો વિરોધ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશન બિલ સામે વિપક્ષનો વિરોધ 1 - image


- વિકસિત ભારત શિક્ષણ સંસ્થાન બિલ 2025 જેપીસીમાં મોકલાયું

- નવા બિલમાં પહેલી વખત ગેરકાયદે યુનિવર્સિટી શરૂ કરવા બદલ બે કરોડ રૂપિયાના દંડની દરખાસ્ત ઉચ્ચ શિક્ષણ માટે હાયર એજ્યુકેશન ઓથોરિટી બનાવાશે, તેના હેઠળ ત્રણ પરિષદ બનાવાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભારતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં મોટાપાયા પર ફેરફાર કરવાની દિશામાં પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે સંસદમાં વિકસિત ભારત શિક્ષા સંસ્થા ખરડો ૨૦૨૫ રજૂ કર્યો આ ખરડાનો હેતુ ઉચ્ચ શિક્ષણના નિયંત્રણ, માન્યતા અને વહીવટીતંત્રની વર્તમાન વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલવાનો છે. વિપક્ષના વિરોધના પગલે અને જેપીસીમાં  મોકલવાની માંગના કારણે  સરકારે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલ્યુ છે, તેમા ચર્ચા થયા પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ ખરડા હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે એક કાયદાકીય સત્તામંડળ કે હાયર એજ્યુકેશન ઓથોરિટી બનાવવામાં આવશે. આ સત્તામંડળ કે પંચ નીતિનિર્ધારણ અને સમન્વયની ટોચની સંસ્થા હશે. આ પંચ ભારત સરકારને સલાહ આપશે, ભારતીય શિક્ષણને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું કામ કરશે. તેની સાથે ભારતીય જ્ઞાાન પરંપરા તેમજ ભાષાઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડશે.

પંચમાં એક વડા, વરિષ્ઠ શિક્ષણશાસ્ત્રી, નિષ્ણાત, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ અને એક પૂર્ણકાલીન સચિવ હશે. પંચના હાથ નીચે ત્રણ સ્વતંત્ર પરિષદ કામ કરશે, જેથી કોઈ સંઘર્ષ ન થાય. 

આ ત્રણ પરિષદમાં નિયામક પરિષદ (રેગ્યુલેટરી કાઉન્સિલ) ઉચ્ચ શિક્ષણની દેખરેખ રાખશે. તે સંસ્થાઓનું વહીવટીતંત્ર, નાણાકીય પારદર્શકતા,ફરિયાદ નિવારણ અને શિક્ષણના વ્યવસાયીકરણને રોકવાનું કામ કરશે.

મંજૂરી પરિષદ (એક્રેડિશન કાઉન્સિલ) સંસ્થાનોની માન્યતા જોશે. તે પરિણામ આધારિત માપદંડ નક્કી કરશે. મંજૂરી પ્રાપ્ત એજન્સીઓને સૂચિબદ્ધ કરશે. તેની સાથે મંજૂરી સાથે જોડાયેલી જાણકારીઓ જાહેર કરશે.

માપદંડ  પરિષદ (સ્ટાન્ડર્ડ કાઉન્સિલ) શૈક્ષણિક માપદંડ નક્કી કરશે, ભણતરના પરિણામ, ક્રેડિટ ટ્રાન્સફર, વિદ્યાર્થીના આવનજાવન અને શિક્ષકોના લઘુત્તમ માપદંડ નક્કી કરશે.

આ કાયદો કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓ, ડીમ્ડ યુનિવર્સિટી, આઇઆઇટી, એનઆઇટી જેવા રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનો, કોલેજો, ઓનલાઇન અને ઓનલાઇન એજ્યુકેશન ઇન્સ્ટિટયુટ અને ઇન્સ્ટિટયુટ ઓફ એમિનન્સ પર લાગુ પડશે. જો કે મેડિકલ, કાયદો, નર્સિંગ, ફાર્મસી અને આરોગ્યલક્ષી અભ્યાસક્રમ આ કાયદાના સીધા અંકુશમાં નહી હોય, પરંતુ તેમણે પણ નવા શૈક્ષણિક માપદંડોનું પાલન કરવું પડશે. 

આ બિલમાં સ્વાયત્તતાની વાત કરવામાં આવી છે તો કેન્દ્રને પણ સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર નીતિગત નિર્દેશ આપી શકશે, ટોચના હોદ્દા પર નિમણૂક કરી શકશે. વિદેશી યુનિવર્સિટીઓને પણ મંજૂરી મળશે. આ સિવાય જરૂર પડે તો પંચ કે પરિષદોને ભંગ પણ કરી શકશે. બધી સંસ્થાઓએ વાર્ષિક અહેવાલ આપવો પડશે, સંસદની સીધી નજર હેઠળ હશે અને કેગના ઓડિટને પાત્ર હશે.

બિલમાં ગ્રેડેડ ઓટોનોમીની જોગવાઈ છે. એટલે કે જે પણ સંસ્થાની મંજૂરી વધારે સારી હશે, તેને તેટલા જ પ્રમાણમાં શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વતંત્રતા મળશે. મંજૂરીની પ્રક્રિયા ટેકનિક આધારિત અને પરિણામ કેન્દ્રિત હશે. સંસ્થાઓે પોતાની નાણાકીય જાણકારી, ફેકલ્ટી, કોર્સ, વિદ્યાર્થીના પરિણામ અને ઓડિટ રિપોર્ટ જાહેર કરવા પડશે. ખોટી જાણકારી આપવા પર રેગ્યુલેટરી બોડી ૬૦ દિવસમાં કાર્યવાહી કરશે.

અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે મંજૂરી ધરાવતી પણ યુનિ. ન હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓને પણ કેન્દ્રની મંજૂરીથી ડિગ્રી આપવાનો અધિકાર મળી શકે છે. નિયમ તોડવામાં આવ્યો તો આ અધિકાર પાછો પણ લઈ શકાય છે. 

પહેલી ભૂલ કરાય તો ૧૦ લાખનો દંડ, વારંવાર નિયમ ભંગ બદલ ૩૦થી ૭૫ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગેરકાયદેસર યુનિવર્સિટી ખોલવા બદલ બે કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. તેની સાથે સજાની અસર વિદ્યાર્થીઓ પર ન પડે તે ખાસ જોવાનું છે.

Tags :