Get The App

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝમાં PM મોદીનું નિવેદન

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝમાં PM મોદીનું નિવેદન 1 - image


PM Modi Visit Adampur Airbase: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંજાબના આદમપુર એરબેઝ પર પહોંચી વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરનારા સેનાના જવાનોની કામગીરીને બિરદાવતાં કહ્યું કે, ભારત માત્ર આતંકવાદીઓ જ નહીં, તેને સમર્થન આપનારા પાકિસ્તાનની સેનાને પણ આકરો જવાબ આપવાની તાકાત ધરાવે છે. અમે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની તક પણ આપીશું નહીં.

પંજાબના આદમપુર એરબેઝમાં ઇન્ડિયન એરફોર્સના જવાનોને PM મોદીએ જણાવ્યું કે, જે પાકિસ્તાની સેના આતંકવાદીઓના ભરોસે બેઠી છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ તેને પોતાની તાકાત બતાવી દીધી છે. પાકિસ્તાનમાં કોઈ એવું સ્થળ બચ્યું નથી, જ્યાં આતંકવાદીઓ આરામની ઊંઘ લઈ શકશે. અમે ઘરમાં ઘૂસીને મારીશું અને તેમને બચવાની એક પણ તક આપીશું નહીં.

પાકિસ્તાનને આપી ચીમકી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આધુનિક સૈન્ય ક્ષમતાઓના વખાણ કર્યા હતાં. તેમણે પાકિસ્તાનને ચીમકી આપી હતી કે, આપણી ડ્રોન, આપણી મિસાઇલના વિચાર માત્રથી પાકિસ્તાનની અનેક રાતોની ઊંઘ ઉડી ગઈ. ભારત બુદ્ધની ધરતી છે. ગુરુ ગોવિંદ સિંહજીની ધરતી છે. અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે શસ્ત્ર ઉઠાવવા આપણી પરંપરા છે. આથી જ્યારે અમારી બહેન-દીકરીઓનું સિંદૂર છીનવાયું, ત્યારે અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા. તે ડરપોકની જેમ છુપાઈને આવ્યા હતા. તેઓ ભૂલી ગયા કે, તેમણે જેને છંછેડ્યા છે, તે હિંદની સેના છે. આપણે તેમને સામી છાતીએ હુમલો કરીને માર્યા છે. આતંકવાદના તમામ મોટા ઠેકાણાંઓ નષ્ટ કર્યાં. 100થી વધુ આતંકવાદીઓને માર્યા. આતંકના વડાઓ હવે સમજી ગયા છે કે, ભારતની સામે નજર ઉઠાવરનારાઓની શું હાલત થશે. તબાહી...ભારતમાં નિર્દોષ લોકોની હત્યાનું એક જ પરિણામ છે - વિનાશ અને મહાવિનાશ. 



આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતાં. જ્યાં વાયુ સેનાના બહાદુર જવાનો સાથે વાતચીત કરી હતી. વાયુસેનાના જવાનો સાથે વડાપ્રધાન મોદી હળવાશની પળોમાં જોવા મળ્યા હતા. જવાનોએ તેમને વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં વડાપ્રધાન મોદીની એક તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના વિમાનના ફોટો આગળ ઊભા છે. આ વિમાનની ઉપર એક સ્લોગન લખ્યું છે કે, દુશ્મનોના પાયલોટ કેમ આરામથી ઊંઘી શકતા નથી.


દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝમાં PM મોદીનું નિવેદન 2 - image


પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાનના દાવાને પોકળ કર્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, તેણે હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ આદમપુર એરબેઝ પર આજે PM મોદીનું વીવીઆઈપી વિમાને સફળતાપૂર્વક લેન્ડિંગ કરી પાકિસ્તાનના દાવાને ખોટો પાડ્યો છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતાં સેનાના સાહસના વખાણ કર્યા હતાં. તેમજ તેમના સન્માન માટે દેશભરમાં તિરંગાયાત્રા યોજવાની જાહેરાત કરી હતી. 



ઓપરેશન સિંદૂરની સફળતા

પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા  ઓપરેશન સિંદૂર હાથ ધરી 100 જેટલા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાએ ભારત પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલાઓ કર્યા હતા. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ડીજીએમઓએ ગઈકાલે આપેલી માહિતી અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ચીનની મિસાઇલ પીએલ-15 અને તુર્કીયેના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. તેમજ અન્ય નાના-મોટા ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ, આદમપુર બેઝમાં PM મોદીનું નિવેદન 3 - image

Tags :