| Image Twitter |
Indian Navy Vice Admiral Sanjay Vatsyay: ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ સંજય વાત્સાયને ઓપરેશન સિંદૂર અંગે એક મહત્ત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'નૌસેના ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણપણે તૈયાર અને તહેનાત છીએ. ભારતની વ્યૂહરચના અને યોજનાઓમાં કોઈ વિક્ષેપ પડ્યો નથી; અમે ઓપરેશન સિંદૂર માટે તૈયાર છીએ. અમારી અન્ય યોજનાઓ, અભ્યાસ અને વિદેશી દેશો સાથે ભાગીદારી ચાલુ રહેશે. આ એક ખૂબ જ સરળ મેસેજ છે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં સતત વધી રહી છે વિદેશી દેશોની હાજરી
વાઇસ એડમિરલ વાત્સાયને જણાવ્યું કે, 'હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિદેશી દેશોની હાજરી સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલા પણ હતું, પરંતુ હવે વધુ વધ્યું છે. કોઈપણ સમયે આ ક્ષેત્રમાં 40-50 થી વધુ વિદેશી જહાજો સક્રિય છે. અમે ખાત્રી અપાવીએ છીએ કે, ભારતીય નૌસેના દરેક જહાજ પર નજર રાખી રહ્યું છે. અમે જાણીએ છીએ કે કોણ ક્યારે આવે છે અને જાય છે. અમે દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છીએ કે શું થઈ રહ્યું છે અને આગળ શું થશે.'
આ ઉપરાંત વાઇસ એડમિરલે એમ પણ કહ્યું કે, 'હિંદ મહાસાગર વિશ્વ માટે તેલ અને કાર્ગો પરિવહન માટે એક મુખ્ય માર્ગ છે, જેના કારણે અહીં ચાંચિયાગીરી, માનવ તસ્કરી અને ડ્રગ દાણચોરી જેવા પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારોનો સામનો કરે છે. નૌસેના આ બધા જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
નવા જહાજો અને સબમરીનનો સમાવેશ
નવા જહાજો અંગે માહિતી આપતાં વાઇસ એડમિરલ વાત્સાયે કહ્યું કે, 'આ વર્ષે નૌસેનામાં 10 જહાજો અને એક સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર સુધીમાં ચાર વધુ જહાજોની અપેક્ષા છે. આવતા વર્ષે લગભગ 19 વધુ જહાજોનો સમાવેશ કરવામાં આવશે અને તે પછીના વર્ષે 13 જહાજો પહોંચાડવામાં આવશે.'
અમેરિકા અને રશિયા પણ ભાગ લેશે
તેમણે કહ્યું કે, 'અમેરિકા અને રશિયા બંનેએ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ અને મિલાન કવાયતમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. બંને દેશો તેમના જહાજો મોકલશે. આ ઉપરાંત કેટલાક વધુ વિમાનો આવવાની પણ શક્યતા છે.'
આ પણ વાંચો: ‘કેજરીવાલે પંજાબમાં શીશમહેલ બનાવ્યો’ તસવીર સાથે ભાજપનો દાવો, AAPએ પણ આપ્યો જવાબ
ભારતનો સ્પષ્ટ સંદેશ
વાઈસ એડમિરલ વાત્સાયનના નિવેદનને ભારતનો એક સ્પષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ મેસેજ માનવામાં આવી રહ્યો છે કે, ઓપરેશન સિંદૂર ચાલુ છે, ભારતીય નૌકાદળ સંપૂર્ણપણે તૈયાર અને તહેનાત છે, અને દેશ હિંદ મહાસાગર ક્ષેત્રમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે હંમેશા સતર્ક છે.


