બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના 'ઓપરેશન સિંદૂર'ને સમર્થન, જુઓ શું કહ્યું
Operation Sindoor : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતની સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકે સ્થિત આતંકવાદીઓના 9 ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા છે. ભારતની આ એરસ્ટ્રાઈકને લઈને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભારતની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
ભારતની કાર્યવાહી યોગ્ય : ઋષિ સુનક
ઋષિ સુનકે (Rishi Sunak) આજે (7 મે) ઓપરેશન સિંદૂર મામલે ભારતનું સમર્થન કર્યું છે અને આતંકી બેઝ કેમ્પો પર કરાયેલા હુમલાને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘કોઈપણ દેશે અન્ય દેશના નિયંત્રણ હેઠળની જમીન પરથી થતા આતંકવાદી હુમલાઓ સ્વીકારવા જોઈએ નહીં. આતંકવાદીઓને કોઈપણ પ્રકારની મુક્તિ ન આપી શકાય.’
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર
મંગળવારે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ત્રણેય સેનાઓની આ સંયુક્ત કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ અપાયું છે. પાકિસ્તાનમાં પ્રવેશ્યા વિના, ભારતીય સેનાએ 100 કિમી અંદર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર બોમ્બમારો કરી ઉડાવી દીધો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં કુલ ચાર અને પીઓકેમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાયા છે.
આ પણ વાંચો : IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ