યુદ્ધવિરામ બાદ ભારતીય દૂતાવાસે ‘ઓપરેશન સિંધુ’ બંધ કર્યું, કહ્યું- ફરી સંકટ ઊભું થશે તો સમીક્ષા કરીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran-Israel War And Operation Sindhu : ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે (24 જૂન) કહ્યું કે, ‘ઈઝરાયલ અને ઈરાનમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, તેથી દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંધુ’ ધીમે ધીમે બંધ કરવામાં આવશે.’ આ સાથે દૂતાવાસે હેલ્પ ડેસ્ક પણ બંધ કર્યું છે. દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારત સરકાર સ્થિતિ પર નજર રાખીને બેઠી છે અને જો ભવિષ્યમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પર કોઈ સંકટ ઊભું થશે તો સરકાર રણનીતિ પર ફરી સમીક્ષા કરશે.’
‘ભારતીય નાગરિકો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે’
દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારતીય નાગરિકો સુરક્ષિત રહી શકે, તેની ખાતરી કરવા માટે હોટલોમાં રૂમો બુક કરાઈ હતી, તેને વધુ બે દિવસ લંબાવાયું છે, એટલે કે 26 જૂને ચેકઆઉટનો સમય રહેશે. હવે ઈરાનમાં સ્થિતિ થાડે પડી રહી છે. જો કોઈ ભારતીય નાગરિકને સલાહ, મદદ કે કોઈ વિશેષ જરૂરીયાત હોય તો તેઓ અગાઉ જારી કરાયેલા ટેલિગ્રામ ચેનલ અથવા હેલ્પલાઈન નંબર દ્વારા દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.’ દૂતાવાસે કહ્યું કે, આ હેલ્પલાઈન નંબર કેટલાક દિવસ સુધી જ ચાલુ રહેશે.
આ પણ વાંચો : જોર્ડન, ઓમાન, સીરિયા... વિશ્વના 51 દેશોમાં અમેરિકન સેનાની હાજરી ! જાણો કારણ
વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું
આ પહેલા વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયાની ઘટના અંગે નિવેદન જાહેર કર્યું હતું. મંત્રાલયે કહ્યું કે, ‘ભારત સરકાર ઈરાન-ઈઝરાયલ વચ્ચે ઘર્ષણ, અમેરિકા દ્વારા તેહરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો, તેના જવાબમાં ઈરાન દ્વારા કતર સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ઘટનાઓ પર નજર રાખી રહી છે. અમે ત્યાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા મામલે ચિંતિત છીએ, પરંતુ આ સાથે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારો અને તેમાં અમેરિકા-કતારએ નિભાવેલી ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ.’
1713 ભારતીયોને ઈરાનમાંથી બહાર કઢાયા
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતના ઓપરેશન સિંધુ હેઠળ કુલ 1713 ભારતીયોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઈરાનના મશહદથી બીજું વિમાન રવિવારે (22મી જૂન) રાત્રે 285 નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. અગાઉ 21મી જૂને 600 ભારતીયો, 20મી જૂને 407 અને 19મી જૂને 110 અને પછી 311 ભારતીયો દિલ્હી પહોંચ્યા હતા.
આ પણ વાંચો : NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ









