ઓપરેશન મહાદેવ બાદ સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ
Jammu-Kashmir Operation Shivshakti: ભારતીય સેના આતંકવાદ વિરુદ્ધ એક-પછી એક ઓપરેશન હેઠળ આતંકીઓને ઠાર કરી રહી છે. આજે ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં LOC પર એક સફળ આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન શિવશક્તિ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, આ આતંકવાદીઓ સરહદ ઓળંગી ઘૂસણખોરી કરી રહ્યા હતા. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્ત સૂત્રોએ આ આતંકવાદીઓ વિશે બાતમી આપી હતી.
વ્હાઇટ નાઇટ કોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશન શિવશક્તિ અંગે માહિતી આપી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, અમારી સતર્ક સેનાએ સટિક લક્ષ્યો દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. આ અભિયાન બુધવારે સવારે શરુ થયું હતું. જે હાલ ચાલુ છે. સેનાએ જણાવ્યું કે, આ ઓપરેશન અમારા ગુપ્ત એકમો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત કામગીરી દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે જે સફળ રહ્યું છે.
ઓપરેશન મહાદેવમાં ત્રણ આતંકી ઠાર
ભારતીય સેનાએ અગાઉ સોમવારે જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા હતા. આ ત્રણેય આતંકવાદીઓ પહલગામ હુમલામાં સામેલ હતા. આતંકવાદી સુલેમાન લશ્કર એ તૈયબાનો એ ગ્રેડ કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો. અફઘાન અને જિબ્રાન પણ A ગ્રેડ આતંકવાદી હતા. સુલેમાન પહલગામ અને ગગનગીર આતંકી હુમલામાં સામેલ હતો. ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, 'ઓપરેશન મહાદેવ' હેઠળ ત્રણ આતંકવાદી ઠાર
પહલગામ હુમલા બાદ મોટાપાયે સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના પહલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલે આતંકી હુમલા બાદ ભારતીય સેના અને સુરક્ષાદળોએ આતંકવાદીઓનો સફાયો કરવા રાજ્યમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં આતંકવાદીઓની શોધ કરી તેમના એન્કાઉન્ટર થઈ રહ્યા છે. પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સહિતના આતંકી સંગઠનોના નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.