પાકિસ્તાનનું સમર્થન કરનાર ધારાસભ્ય સહિત કુલ 65 લોકોની ધરપકડ, આસામ CMએ આપી માહિતી
Assam News : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma) એ આજે (17 મે) કહ્યું છે કે, પાકિસ્તાનને સમર્થન આપવા બદલ વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આવી ઘટના મામલે રાજ્યમાં અત્યાર સુધીમાં 65 લોકોની ધરપકડ કરાઈ છે.
કોકરાઝારમાંથી વધુ એક વ્યક્તિની ધરપકડ
આસામની સીએમએ કહ્યું કે, કોકરાઝાર જિલ્લામાંથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. સરમાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, કોકરાઝાર પોલીસે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપવા બદલ ગોસાઈગાંવથી જોયનલ આબેદીનની ધરપકડ કરી છે.
ધારાસભ્ય સહિત કુલ 65ની ધરપકડ
આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અત્યાર સુધીમાં 65 દેશદ્રોહીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં વિપક્ષી પાર્ટી એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામનો પણ સમાવેશ થાય છે.’
રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો (Pahalgam Terror Attack) થયા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ હુમલાની ઘટના વચ્ચે કેટલાક લોક દેશમાં રહી પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે, જેના ભાગરૂપે રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રવિરોધી તત્વોમાં સામેલ ધારાસભ્યની પણ ધરપકડ
મુખ્યમંત્રી શર્માએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે, આવા લોકો સામે રાજ્ય સરકારનું અભિયાન ચાલુ રહેશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામનો પણ સમાવેશ થાય છે.