Dumper Hits Rickshaw In Sumerpur UP : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના સુમેરપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિક ફેક્ટ્રી પાસે ગુરુવારે (1 જાન્યુઆરી, 2026) સાંજે 7 વાગ્યે એક ડમ્પરે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષા ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ ગઈ હતી, તેમ છતાં ડમ્પરચાલકે 2 કિલોમીટર સુધી રિક્ષાને ઢસડી હતી.
UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી, રિક્ષાચાલકનું મોત
આ ઘટનામાં રિક્ષાના ડ્રાઈવરનું કચડાઈ જવાથી મોત થયું છે, જ્યારે રિક્ષામાં સવાર પેસેન્જર અને રાહદારી ડમ્પરની ઝડપમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ આરોપી ડમ્પરચાલક ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ઘટનાને અંજામ આપી ડમ્પરચાલક પહોંચ્યો પોલીસ સ્ટેશન
UPમાં ડમ્પરે રિક્ષાને 2 કિલોમીટર સુધી ઢસડી હોવાની ઘટનામાં રિક્ષામાં સવાર રોહિત કુશવાહ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે એક ફેક્ટરી માંથી કામ પૂરું કરીને ઘરે જઈ રહેલા 50 વર્ષીય સીતારામને પણ ડમ્પરની ટક્કર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ આરોપી ડમ્પર ચાલક ડમ્પર ઘટનાસ્થળે મૂકીને સીધો સુમેરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પોલીસે બંને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સુમેરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, બંનેની સ્થિત બરાબર છે. ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ડમ્પરચાલકે રિક્ષાને ટક્કર માર્યા બાદ વાહન રોક્યું ન હતું અને રિક્ષાને ઢસડીને આગળ લઈ ગયો હતો. સમગ્ર બનાવને લઈને પોલીસે ડમ્પરને જપ્ત કર્યું છે અને ડ્રાઈવર વિરૂદ્ધમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


