Chhatishgarh News : છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આ હુમલાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે પુરુષોની ધરપકડ કરી છે.
ભીડ વચ્ચે લાચાર મહિલા પોલીસની આજીજી
આ ઘટના 27 ડિસેમ્બર, 2025ના રોજ તમનાર બ્લોકમાં બની હતી, જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ 14 ગામોના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી. બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા અને તે હાથ જોડીને રડતી રડતી દયાની ભીખ માંગી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, "ભાઈ, કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો." એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી, જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો ઉતારતો હતો.
પોલીસની કાર્યવાહી અને કડક કલમો
બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે (3 જાન્યુઆરી, 2026) જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે. તેમની સામે છેડતી, હત્યાનો પ્રયાસ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવાઓને આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.
રાજકીય આક્ષેપબાજી અને સુરક્ષા પર સવાલો
ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે આ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો મહિલા પોલીસ અધિકારીઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકોનું શું થશે? પ્રદેશ કોંગ્રેસના નેતા સુશીલ આનંદ શુક્લાએ આ ઘટનાને અત્યંત ભયાનક અને શરમજનક ગણાવી હતી.
શા માટે ભભૂકી હતી હિંસા?
સ્થાનિક ગ્રામજનો જિંદાલ પાવર લિમિટેડને ફાળવવામાં આવેલા ગારે પેલમા સેક્ટર-I કોલ બ્લોકનો વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોને ડર છે કે ખાણકામથી તેમની આજીવિકા છીનવાઈ જશે અને તેમને વિસ્થાપિત થવું પડશે. ગત સપ્તાહે જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ભીડે પોલીસની બસ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સળગાવી દીધા હતા.
આ હિંસક અથડામણમાં તમનાર પોલીસ સ્ટેશનના એસએચઓ કમલા પુસામ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વણસતા પ્રશાસને હાલમાં આ પ્રોજેક્ટ માટેની જાહેર સુનાવણી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


