- વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ સંસદમાં રજુ કરાશે
- નવી યોજનામાં કામના દિવસો 100થી વધારીને 125 કરાશે પરંતુ ખેતીની સીઝનમાં કામ નહીં અપાય, ખર્ચનો બોજ રાજ્યોના માથે પણ નખાશે
- મનરેગાનું નામ ત્રણ દિવસ પહેલા પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના કરાયા પછી હવે વીબી-જી રામ જી કરાતા વિવાદ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટેની હાલની મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એપ્લોઇમેન્ટ ગેરન્ટી એક્ટ- મનરેગા યોજનાના સ્થાને નવી યોજના લાવવા જઇ રહી છે. આ માટે સંસદમાં સરકાર દ્વારા બિલ રજુ કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટે જે નવી યોજના લોન્ચ કરવામાં આવશે તેને વિકસિત ભારત ગેરન્ટી ફોર રોઝગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) નામ આપવામાં આવ્યું છે. નવી યોજનામાં ૧૨૫ દિવસ કામ આપવાનો દાવો કરાયો છે જ્યારે જે ખર્ચો થશે તેનો બોજ રાજ્યો પર પણ નાખવામાં આવશે.
વર્ષ ૨૦૦૫માં મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટનો અમલ કરવામાં આવ્યો હતો, ૨૦ વર્ષે આ યોજનાનું સ્થાન હવે નવી યોજના લેવા જઇ રહી છે. મનરેગામાં હાલમાં વર્ષમાં ૧૦૦ દિવસ કામની ગેરંટી આપવામાં આવે છે, હવે જે નવી યોજના લાવવામાં આવી રહી છે તેમાં કામના દિવસો વધારીને ૧૨૫ કરવામાં આવશે તેવા અહેવાલો છે. આ સાથે જ મજૂરી બદલ જે રૂપિયા ચુકવવામાં આવે છે તેમાં પણ ફેરફાર કરાશે. મનરેગામાં આ ચુકવણી માટે ૧૫ દિવસની સમય મર્યાદા હોય છે જેમાં સુધારા કરીને આ સમય મર્યાદા દર સપ્તાહની કરવામાં આવશે.
જોકે આ નવી યોજનામાં એક એવી જોગવાઇ છે જેને લઇને રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ થઇ શકે છે. નવી યોજના કે નવા રોજગારી કાયદા મુજબ હવેથી રોજગારી પાછળ જે ખર્ચો કરવામાં આવશે તેમાં રાજ્યોની પણ ભાગીદારી રહેશે. એટલે કે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ રોજગારીની મજૂરી ચુકવવામાં નહીં આવે, રાજ્યોએ પણ તેમાં મદદ કરવાની રહેશે. અત્યાર સુધી મનરેગામાં અપાતી રોજગારી બદલ લોકોને મજૂરી કે ખર્ચ આપવાની જવાબદારી સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર હસ્તક હતી.
જોકે તમામ રાજ્યો પર એક સરખો બોજ નાખવામાં નહીં આવે, જેમ કે પૂર્વોત્તર રાજ્ય, પર્વતીય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ફંડિંગની રકમ કેન્દ્ર અને રાજ્યોની ભાગીદારી ૯૦ઃ૧૦ની રહેશે. અન્ય રાજ્યો માટે આ રેશિયો ૬૦ઃ૪૦નો રાખવામાં આવ્યો છે. મનરેગા અને આ નવી યોજના વચ્ચે એક મોટુ અંતર કામને લઇને છે, નવી યોજના મુજબ હવેથી ખેતીની સીઝનમાં કામ નહીં અપાય, ગ્રામીણ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રમાં મજૂરી કામ થતું હોવાથી આ નિર્ણય લેવાયો હોવાની દલીલો થઇ રહી છે.
રાજ્ય સરકારોએ પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૬૦ દિવસની સમય મર્યાદા જાહેર કરવાની રહેશે, જેમાં આ ખેતીનું કામ સામેલ હશે. આ ૬૦ દિવસની સમય મર્યાદા તમામ રાજ્યોમાં એક સરખી નહીં હોય. જોકે આ યોજનામાં રાજ્યો પર પણ ખર્ચનો બોજ નાખવામાં આવનારો હોવાથી કેટલાક રાજ્યો દ્વારા તેનો વિરોધ થઇ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં કહ્યું હતું કે મનરેગાએ છેલ્લા ૨૦ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારોમાં લઘુતમ વેતન સાથે રોજગારી પુરી પાડી છે. જોકે હજુ પણ આ યોજનાને મજબૂત કરવાની જરૂર છે.
ગાંધીજીને ઇતિહાસમાંથી હટાવવાનો ભાજપનો કારસો: કોંગ્રેસનો આક્ષેપ
બીજી તરફ મનરેગામાં ગાંધીજીનું નામ સામેલ છે, કેન્દ્ર સરકાર આ નામ જ હટાવીને નવા નામે યોજના લાવી રહી છે. જેને પગલે કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્રને ઘેરી હતી. લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે ગાંધીજી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં એક મહાન નેતા તરીકે ઓળખાય છે, તેમના નામને આ યોજનામાંથી કેમ હટાવાયું? યોજનાઓના નામ બદલવાને કારણે ઓફિસ, સ્ટેશનરી સહિત બહુ જ મોટો ખર્ચો કરવામાં આવે છે, યોજનાઓના નામ બદલવાથી શું ફાયદો થશે? તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રિએને કહ્યું હતંુ કે ગાંધીજીનું અપમાન કરનારા આ એ જ લોકો છે કે જે ગાંધીજીના હત્યારાને પોતાનો આદર્શ માને છે, આ લોકો ગાંધીજીને ઇતિહાસમાંથી હટાવવા માગે છે. સીપીઆઇ(એમ)ના જનરલ સેક્રેટરી એમએ બેબીએ કહ્યું હતું કે ખર્ચનો બોજ રાજ્યો પર નાખવામાં આવી રહ્યો છે, કેન્દ્ર સરકાર હવે વિપક્ષ શાસિત રાજ્યોની નાણાકીય ફાળણવી પર કાપ મુકીને સજા આપવા પ્રયાસ કરશે.


