India

ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી: વિદેશ મંત્રાલય

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢતા તેને અયોગ્ય અને પાયાવિહોણી ગણાવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, OICને ભારતના આંતરિક મામલા પર ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મામલે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી: વિદેશ મંત્રાલય

ભારતે ઈસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને સ્પષ્ટપણે નકારી કાઢતા તેને અયોગ્ય અને પાયાવિહોણી ગણાવી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, OICને ભારતના આંતરિક મામલા પર ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના મામલે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

ભારત OIC વિદેશ મંત્રીઓની પરિષદની બેઠકમાં ભારત વિશેના અયોગ્ય અને તથ્યપૂર્ણ રીતે ખોટા સંદર્ભોને સ્પષ્ટપણે નકારી કાઢે છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, 'આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે, જેણે આતંકવાદને પોતાની રાજદ્વારી નીતિનો એક ભાગ બનાવ્યો છે. આ OIC મંચનો સંકુચિત રાજકીય હિતો માટે સતત દુરુપયોગ છે.'

તમને જણાવી દઈએ કે, OIC વિદેશ મંત્રી પરિષદ (CFM)નું 51મું સત્ર 21થી 22 જૂન દરમિયાન તુર્કીયેના ઈસ્તંબુલમાં યોજાયું હતું, જેમાં 147 ઠરાવો અને ઈસ્તંબુલ ઘોષણાપત્રને અપનાવવામાં આવ્યું હતું.

OICએ પાકિસ્તાનના પ્રચારના પ્રભાવમાં આવીને તેના એજન્ડાને રાજકીય રંગ આપવાનું ટાળવું જોઈએ

વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, 'જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને સાર્વભૌમ ભાગ છે. આ વાત ભારતના બંધારણમાં નોંધાયેલી છે. OICએ પાકિસ્તાનના પ્રચારના પ્રભાવમાં આવીને તેના એજન્ડાને રાજકીય રંગ આપવાનું ટાળવું જોઈએ, નહીંતર તેની વિશ્વસનીયતા અને સુસંગતતાને ભારે નુકસાન થશે.'

પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને પણ નકારી કાઢ્યા

વિદેશ મંત્રાલયે OIC બેઠકમાં પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને પણ નકારી કાઢ્યા અને કહ્યું કે, આ પાકિસ્તાન દ્વારા પોતાને ત્યાં પ્રાયોજિત આતંકવાદ, લઘુમતીઓ પરના અત્યાચાર અને સાંપ્રદાયિક હિંસા પરથી વિશ્વનું ધ્યાન હટાવવાનો નિરર્થક પ્રયાસ છે.

'ઓપરેશન સિંદૂર' આત્મરક્ષાની કાર્યવાહી

ભારતે કહ્યું કે, 'પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા કારણ વગરના અને અયોગ્ય લશ્કરી આક્રમણ'ના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. 'ઓપરેશન સિંદૂર' પાકિસ્તાની ધરતી પરથી કાર્યરત આતંકવાદી છાવણીઓ સામે હાથ ધરવામાં આવેલી કાયદેસર અને સટીક આત્મરક્ષાની કાર્યવાહી હતી.'

આ પણ વાંચો: અમેરિકા નહીં આ દેશે કરી ઈરાન સાથે વાતચીત: 12 દિવસના યુદ્ધ બાદ રીતે થયું સીઝફાયર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ભારતનું કહેવું છે કે, આ હાસ્યાસ્પદ છે કે પાકિસ્તાન માત્ર ભારતીય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાની વાત કરે છે, જોકે, તેના જવાબી હુમલાઓ નિષ્ફળ ગયા છે અને નાગરિકોના જીવ અને સંપત્તિને જોખમમાં મૂક્યા છે, જેના પરિણામે ઘણા નાગરિકોના મોત થયા છે.

OIC એ પાકિસ્તાન જેવા દેશોનું સાધન ન બનવું જોઈએ

તમને જણાવી દઈએ કે, OIC પોતાને મુસ્લિમ જગતનો સામૂહિક અવાજ કહે છે અને તેના 57 સભ્ય દેશો છે. આ મંચ વિશ્વમાં મુસ્લિમ સમુદાયના હિતોનું રક્ષણ કરવા માટે કામ કરે છે. જોકે, ભારતે વારંવાર કહ્યું છે કે, OIC એ પાકિસ્તાન જેવા દેશોનું સાધન ન બનવું જોઈએ, જે તેમના સંકુચિત રાજકીય એજન્ડા હેઠળ ભારત વિરુદ્ધ ખોટા અને પક્ષપાતી ઠરાવો પસાર કરે છે.